(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૮
જીએસટી અને નોટબંધીના કારણે કાપડ ઉદ્યોગ પર પડેલી અસરને લઇને હવે ઉઠમણાંઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં પહેલી વખતે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસો. ફોસ્ટાએ આ મુદ્દે ગંભીર પગલા લેતા શહેરની તમામ માર્કેટોના પ્રમુખો પાસે માર્કેટના ભાડેથી દુકાન ધરાવતા ધંધાર્થીઓની વિગતો માંગી છે. જોકે ઉઠમણાંઓનો દૌર તો ચાલુ જ રહ્યો છે. હવે જોવાનું રહેશેકે ફોસ્ટા તેને ક્યાં સુધી રોકી શકાશે.
કાપડ માર્કેટમાં છાશવારે છેતરપિંડી અને પેઢીની ઉઠમણાંની ઘટના બને છે. વર્ષે કરોડો રૂપિયાનું ઉઠમણું કરીને લેભાગુ વેપારીઓને છેતરી જવામાં સફળ થયા છે. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં વર્ષે રૂા.૭૦૦ કરોડથી વધુના ઉઠમણાઆં સામે માલની રીક્વરી માત્ર ૩૦ ટકા જ જેટલી થાય છે. તાજેતરમાં જ અભિષેક માર્કેટ અને રઘુકુળ માર્કેટ બે પાર્ટી કરોડોમાં રૂપિયા ઉઠી ગયાની ચર્ચા ચાલી હતી. એક સાથે બેપાર્ટીની માર્કેટમાં આવેલી ૧૭ જેટલી દુકાનમાં એક સાથે તાળા લાગતા લેણદારોના જીવ તાળવે ચોટાયા છે.
ફોસ્ટાએ આ બાબતે ગંભીર પગલું લેતા તમામ માર્કેટના પ્રમુખોને વિસ્તારપૂર્વક એક પત્ર લખીને ભાડુઆતની તમામ વિગતો માંગી છે. દુકાનના માલિકોને પણ સાવચેત રહેવા માટે સુચના આપી છે. ફોસ્ટાએ પત્રમાં ટાંક્યું છે કે પુરતા પુરાવા વિના દુકાન ભાડે આપે અને લેભાગુ વેપારી ઉઠમણું કરે તો દુકાન પોલીસની મદદથી સીલ કરાવવી, ભાડુઆતની વિગતો ઉપરાંત દલાલ અને બે રેફરન્સ આપનાર પાર્ટીની વિગત પોલીસ અને ફોસ્ટાને મોકલવા વિનંતી કરી છે. ફોસ્ટાનુું ફોર્મ ભરાવ્યા બાદ જ દુકાનને ભાડે આપવી કહેવામાં આવ્યું છે. સામાન્ય રીતે ફોસ્ટા દ્વારા દર વખતે નિયમો બનાવવામાં આવે છે. દરેક વખતે ભાડુઆત સામે કડક નિયમાવલી મુકવામાં આવે છે પરંતુ,તેની અમલવાની થતી નથી. અંતે વેપારીએ હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે. આ વખતે જોવાનું રહેશે કે ફોસ્ટાના કડક નિયમ બાદ તેની અણલવારી કેટલા પ્રમાણમાં થાય છે.