(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૫
ડિઝલ અને ટોલટેક્ષના વિરોધમાં આજે સતત છઠ્ઠા દિવસે પણ ટ્રાન્સપોર્ટરોની હડતાળ યથાવત રહેતા શહેરની ટેક્ષટાઈલ માર્કેટોનો અંદાજીત રુા.૨ હજાર કરોડનો ધંધો ઠપ થઇ જવા પામ્યાનું જાણવા મળે છે.ઉપરાંત માર્કેટના કારીગરો અને ટ્રાન્સપોર્ટના મજૂરો બેકાર બનતા ટ્રાન્સપોર્ટરો દ્વારા આજે સુંદરકાંડ યોજીને અનોખો વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો.સુરતની કાપડ માર્કેટોમાંથી દૈનિક કરોડો રૂપિયાના પાર્સલો ભરેલી ટ્રકો દેશના વિવિધ રાજ્યોમાં જતી હોય છે, પરંતુ આજે સતત છઠ્ઠા દિવસે ટ્રાન્સપોર્ટરોની હડતાળ યથાવત રહેતા માત્ર ટેક્ષટાઈલ માર્કેટના વેપારીઓનો જ આશરે ૨ હજાર કરોડનો ધંધો ઠપ થયો છે. ડીઝલ અને ટોલ ટેક્ષના મુદ્દે હડતાળ ઉપર ઉતરેલા ટ્રાન્સપોર્ટરોની દેશવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાળને શહેરમાં સજ્જડ પ્રતિસાદ મળી રહ્ના છે. ભાઠેના ખાતે આવેલ ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભજીયા તળીને વિરોધ કરાયો છે, સદબુદ્ધિ હવન યોજવામાં આવ્યું હતું. આજે ટ્રાન્સપોર્ટરો દ્વારા સુંદર કાંડ અને ભજન કીર્તન કરીને અનોખો વિરોધ વ્યકત કર્યો હતો. ટ્રાન્સપોર્ટની હડતાળના મુદ્દે સરકારના પ્રતિનિધિઓ અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે હજુ સુધી કોઈ બેઠક થઈ નથી એટલે હડતાળ લાંબી ખેદ્વચાય તેવી શક્યતા છે. હડતાળની સૌથી વધુ અસર ટેક્ષટાઈલ માર્કેટોના કારીગરો અને ટ્રાન્સપોર્ટના મજૂરો પર વધુ દેખાય છે. ટ્રક ચાલકો અને ક્લિનરોને પણ રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે.ટ્રાન્સપોર્ટરોની દેશવ્યાપી હડતાળને અઠવાડિયું થઇ ગયું છે. દેશભરમાં ટ્રાન્સપોર્ટરોની હડતાળને પગલે શહેરના કાપડ સહિતનો વેપારી પ્રભાવિત થઇ ગયો છે. ટ્રકો ઠેર ઠેર અટવાવાની સાથે ડિલિવરી અટવાઇ ગઇ છે જેના કારણે રેલ્વે તરફ ટ્રાફિક લધવા લાગ્યો છે. કેટલાક વેપારીઓ ટ્રેન મારફતે ડિલિવરી મોકલી રહ્યા છે. ત્યારે હવે વેપારીઓને ટ્રેનમાં પણ પાર્સલો નહીં મોકલવા માટેના ચોક્કસ ટ્રાન્સપોર્ટરો દ્વારા પાછલા બારણેથી વેપારીઓ દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.