અમદાવાદ, તા.૩૧
પોરબંદરના દરિયામાંથી ૩પ૦૦ કરોડની કિંમતનું હેરોઈન ડ્રગ્સ પકડાયાને ગણતરીના કલાકો થયા નથી ત્યાં અમદાવાદમાંથી ૧૬ કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો છે. સુરતથી આ ગાંજાનો જથ્થો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વેચવા માટે લવાયો હોવાની વિગતો ખૂલી છે.
અમદાવાદ એસઓજી ક્રાઈમને બાતમી મળી હતી કે એક શખ્સ સુરતથી ગાંજાનો જથ્થો લઈ અમદાવાદ આવે છે તેના આધારે એસઓજીની ટીમે અમદાવાદ બરોડા એક્સપ્રેસ-વે પર સીટીએમ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન સુરતથી એક લકઝરી બસ આવતા પોલીસે તેમાંથી ઉતરેલા મનીષ સુરેશભાઈ શ્રીવાસ (રહે. અમરાઈવાડી)ની તપાસ કરી હતી. ત્યારે તેની પાસેથી રૂા.૮ર,૩પ૦ની કિંમતનો ૧૬ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. મનીષની પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે આ ગાંજાનો જથ્થો વટવાના શાહરૂખ નામના યુવકને આપવાનો હતો. આ જથ્થો શાહરૂખે મંગાવ્યો હતો ત્યારે પોલીસે હાલ વટવાના શાહરૂખ નામના શખ્સની શોધખોળ આદરી છે.