(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૬
પુણાના સીતાનગર ચાર રસ્તા પાસે આજે સવારમાં ભારે વરસાદને પગલે એકાએક રસ્તો બેસી જતાં એક આઇસર ટેમ્પો તથા એક બસ ખાડામાં ફસાઇ ગઇ હતી. છેલ્લા ચાર દિવસમાં આ ચોથી ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરતમાં પડી રહેલા વરસાદને પગલે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના બનાવો તો કેટલાય વિસ્તારોમાં રસ્તા બેસી જવાના બનાવો પણ બનવા પામ્યા છે. પુણાના સીતાનગર ચાર રસ્તા પાસે અવારનવાર રસ્તા બેસી જવાની ઘટનાઓ બની રહી છે. પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગતરોજ રાત્રે પણ ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે આજે સવારના સમયે એક આઇસર ટેમ્પો અને પુણા ગામની અર્ચના સ્કૂલ તરફ જવાના રસ્તા પર સીતાનગર ચાર રસ્તા પર વચ્ચે જ અચાનક જ રસ્તો બેસી જવાના કારણે ટેમ્પો ફસાઇ ગયો હતો. જો કે, થોડી જ મિનિટો બાદ ત્યાથી હરે કૃષ્ણ એક્સપોર્ટની બસ રત્ન કલાકારોને લઇ નીકળી હતી. બસ કાપોદ્રાથી પર્વત પાટીયા તરફ જતી હતી. ત્યારે સીતાનગર ચાર રસ્તા પાસે અચાનક જ રસ્તો બેસી જતા બસ ફસાઇ ગઇ હતી. બસ ફસાઇ જતા હરે કૃષ્ણ એક્સપોર્ટના ૨૫ થી વધુ કર્મચારીઓ કલાકો સુધી ત્યાં જ ફસાઇ ગયા હતા.