(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૧૬
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૩૬ કલાકથી મૂશળધાર વરસાદ થતા સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં એકથી દસ ઈંચ જેટલો ભારે વરસાદ થતા નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ રવિવારે સવારે ૬ કલાકથી સોમવારે બપોરે ૧૨ કલાક સુધી છેલ્લા ૩૬ કલાક દરમિયાન તમામ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. બારડોલીમાં ૬ ઈંચ, ચોર્યાસીમાં ૩ ઈંચ, કામરેજમાં ૭.૫ ઈંચ, મહુવામાં ૪.૫ ઈંચ, માંડવીમાં ૨ ઈંચ, પલસાણામાં ૪ ઈંચ, સુરત શહેરમાં ૫ ઈંચ અને ઉમરપાડામાં ૪ ઈંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લા ફલડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ૩૬ કલાક દરમિયાન નવસારીમાં ૬ ઈંચ, જલાલપોરમાં ૫ ઈંચ, ગણદેવીમાં ૮ ઈંચ, ચીખલીમાં ૭ ઈંચ, વાંસદામાં ૭ ઈંચ, ખેરગામમાં ૮ ઈંચ જેટલો વરસાદ ઝીંકાયો છે. વલસાડ જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ૩૬ કલાક દરમિયાન વલસાડમાં ૬ ઈંચ, પારડી ૭ ઈંચ, વાપીમાં ૬ ઈંચ, ઉમરગામમાં ૩ ઈંચ ધરમપુરમાં ૪.૫ ઈંચ અને કપરાડામાં ૮ ઈંચ જટલો વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લામાં ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ૩૬ કલાક દરમિયાન આહવામાં ૩ ઈંચ, સુબીરમાં ૧.૫ ઈંચ, સાપુતારામાં ૩ ઈંચ અને વઘઈ ખાતે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૦ ઈંચ વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ૩૬ કલાક દરમિયાન વ્યારામાં ૨ ઈંચ, વાલોડમાં ૩ ઈંચ, સોનગઢમાં ૧ ઈંચ, ઉચ્છલમાં ૧ ઈંચ અને ડોલવણમાં ૬ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં મનમૂકીને મેઘરાજા વરસતા દક્ષિણ ગુજરાતની નદીઓ બન્ને કાંઠે વહેતી થઈ છે. અંબિકા, કાવેરી, પૂર્ણા, મીંઢોળા, ઔરંગા, થાર, પાર, માન અને દમણ ગંગા નદી બન્ને કાંઠે વહેતી થતા નદી કિનારેના નીચાણવાળા ગામોમાં તથા નાના-મોટા પુલો પર નદીના પાણી ફરી વળ્યા છે.