(સંવાદદાતા દ્વારા) સુરત તા.૬
શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ પડયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં ૯ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં ૧ ઈંચથી લઈને ૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.નવસારી, સુરત જિલ્લાની નદીઓબે કાંઠે વહેતી થઈ છે.
સુરત ફલ્ડ કન્ટ્રોલ દ્વારા મળતી માહિતી મુજબ ઉંમરપાડા તાલુકામાં ૯ ઈંચ જેટલો વરસાદ પડતા તળાવો, નદી નાળા બે કાંઠે થયા હતાં. ચેકડેમો ઓવરફ્‌લો થઇ વહેતા થયા છે. ઉમરપાડામાં ભારે વરસાદને પગલે વરેહ નદીમાં પાણી વધી જતાં માંડવીના ચેકડેમ કોઝવે પાણીમાં ગેરક થઇ જતા વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો. પાણી ઓછા થતાં માર્ગ પર યથાવત વાહનો ચાલુ થયા હતાં. મહુવામાં પણ પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.
કેવડી ગામ નજીકથી પસાર થતી મોવણ નદી, વડપાડાથી પસાર થતી કરજણ નદી તમજ માંડણપાડાની વીરા ખાડીમાં પાણીનો પ્રવાહ વધતા નાના પુલિયા ગરનાળાઓ પુરના પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. જેથી થોડા કલાકો માટે વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. બીજી તરફ સુરત જિલ્લાના અન્ય તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે. મહુવામાં ૪ ઇંચ વરસાદના કારણે કોતર અને નદીમાં નવા નીર વહેતા થયા હતાં. બારડોલીમાં ૨ ઇંચ, કામરેજમાં ૩ ઇંચ, માંડવી અને માંગરોળ ૨ ઇંચ વરસાદ નોંધાયો છે.નવસારી જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ દ્વારા માહિતી માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં નવસારી જિલ્લામાં સોથી વધુ વરસાદ ચીખલીમાં ૧૩૭ મીમી વરસાદ પડ્‌યો છે. જ્યારે ગણદેવીમાં ૧૦૮ મીમી, વાંસદામાં ૧૦૧ મીમી, નવસારીમાં ૫૨ મીમી, જલાલપોર ૫૨ મીમી, ખેરગામમાં ૪૯ મીમી વરસાદ નોંધાયો છે.
ડાંગ જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વઘઈમાં ૯૫ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે આહવામાં ૫૦ મીમી, સુબીરમાં ૬૦ મીમી અને સાપુતારામાં ૩૫ મીમી વરસાદ પડ્‌યો છે.વરસાદ પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. તાપી, અંબિકા, પૂર્ણા, મિંઢોળા અને ઝાખરી નદીમાં વરસાદી નવા નીર આવ્યા છે. જ્યારે નવસારી જિલ્લામાં અંબિકા, ખરેરા, કાવેરી અને તળાવો, કોતરોમાં નવા નીર આવતા બે કાંઠે વહી રહી છે.
દક્ષિણ ગુજરાતમાં આજે સવારે ૬થી ૧૦ વાગ્યા સુધીમાં ખેરગામ- ૬૮ મીમી, વલસાડ- ૫૦ મીમી, ધરમપુર- ૩૫ મીમી, વાલોડ- ૨૬ મીમી, પારડી- ૨૨ મીમી,મહુવા- ૨૦ મીમી, વઘઈ- ૧૯ મીમી, વાપી- ૧૯ મીમી,વ્યારા- ૧૮ મીમી, માંગરોળ- ૧૬ મીમી વરસાદ નોંધાયો હતો. આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતારવરણ છવાયું છે. ક્યાંક ક્યાંક છુટો છવાયો વરસાદ નોંધાયો છે.