(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
દક્ષિણ ગુજરાતમાં પાછલા બેદિવસથી ધોધમાર વરસાદ શરુ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં ૩.૭ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે ઠેર-ઠેર પાણી પાણી થઈ ગયું છે. ૩.૭ ઈંચ વરસાદ ખાબકતા ઉમરપાડાની બજારોમાં પાણી ફરી વળ્યા હતા. જ્યાં બીજી તરફ દક્ષિણ ગુજરાતના તમામ તાલુકામાં સાર્વિત્રક વરસાદ નોંધાયો છે.
કાળા વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડકા સાથે ભારે વરસાદ વરસતા નદી, નાળા, કોતરો છલકાય ગયા હતાં. ઉંમરપાડા બજાર નજીક આવેલ મુખ્ય પ્રવેશ દ્વારનું ગરનાળું પાણીના પ્રવાહમાં ગરક થઈ ગયું હતું. જેથી થોડા સમય પુરતો વાહન વ્યવહાર બંધ કરવો પડ્‌યો હતો. તાલુકા મથક ઉંમરપાડાના આસપાસના ૧૦થી ૧૫ કિમી વિસ્તારોમાં ૩.૭ ઈંચ વરસાદ ખાબકતાં જનજીવનને અસર થઈ હતી. વાલોડમાં ૩.૩ ઈંચ વરસાદ ખાબક્યો મહુવા તાલુકામા છેલ્લા બે દિવસથી ઝરમર ઝરમર વરસી રહેલા વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ૨.૫ ઇંચથી વધુ વરસાદને લઈ તાલુકામાં ઠેરઠેર પાણી પાણી થઈ ગયું હતું. ભારે વરસાદને લઈ ઘણા ગામોમાં વીજળી ડુલ થઈ ગઈ હતી. તાલુકાના ગામોને જોડતા આંતરિક માર્ગો તેમજ સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા. જેના પરિણામે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.