(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
સુરત શહેરના ઉધના દરવાજા પાસે આવેલ એપલ હોસ્પિટલની આગળ જાહેર રોડ ઉપરથી મહિલા કોર્પોરેટર વતિ લાંચ લેતા ઝડપાયેલ હિતેશને આજરોજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના વોર્ડ નંબર ૧૮ આંજણા ખટોદરા(ઉધના-ભાઠેના)ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કપિલાબેન પલ્કેશભાઈ પટેલ અને તેના પતિ પલ્કેશભાઈ પટેલ તથા હિતેશભાઈ મનુભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાઇ હતી. પ્લોટ પર પરવાનગી મેળવી બાંધકામ ફરિયાદીએ કર્યું હતું. આ બાંધકામ ગેરકાયદેસર કરેલ હોવાની આક્ષેપવાળી અરજી કપિલાબેનએ કમિશનરને કરી હતી. જેથી ફરિયાદી બાંધકામ ન તૂટે અને આગળની કાર્યવાહી ન કરે તે માટે કોર્પોરેટર અને તેના પતિએ એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. રકઝકના અંતે ૫૦ હજાર રૂપિયાની લાંચનું નક્કી થયું હતું. બાદમાં કોર્પોરેટર અને તેના પતિ વતિ લાંચની રકમ ૫૦ હજાર લેવા માટે હિતેશ મનુ પટેલ(ખાનગી વ્યક્તિ) આવ્યો હતો. જેને રંગે હાથ એસીબીની ટીમે ઝડપી લીધો હતો. આજરોજ આરોપી હિતેશને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળે છે.