(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૨૪
આજે સુરત પધારેલા કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી આગામી વિધાનસભા ચૂંટણીનું રણશીંગુ ફુક્યું હતું. જેમાં ગાંધી સ્મૃતિ ભવન ખાતે વિદ્યાર્થીઓ સાથે સંકલ્પ સે સિદ્ધિ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને નવા ભારતનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાછલી હરોળમાં બેઠેલા એક ટીખળખોર યુવક સામે મંત્રી મહોદય ગુસ્સે પણ ભરાયા હતા. ઉપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર ભાજપના આદેશને પગલે કોલેજના વિદ્યાર્થીઓને કોલેજનો અભ્યાસ છોડી બસો ભરી ભરીને આ કાર્યક્રમમાં લઇ આવવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્વામી વિવેકાનંદ સર્કલ મક્કાઈ પૂલથી એક રેલી કાઢી સરદારસાહેબની પ્રતિમા પાસેના રેલવે સ્ટેશન સુધી ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સહિત લોકો જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ત્રિરંગા યાત્રામાં હાજરી આપ્યા બાદ કતારગામ ખાતે દલિતના ઘરે ભોજન માટે ગયા હતા અને દલિત પરિવાર સાથે ભોજન ગ્રહણ કર્યું હતું.