(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૧
શહેરમા઼ ધોધમાર વરસાદને કારણે શહેરના માર્ગોનું ધોવાણ થઈ ગયું હતું. ઠેર-ઠેર માર્ગો ઉપર મોટા-મોટા ગાબડા પડી ગયા હતા. રસ્તા પાછળ સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયાનું આંધણ કરે છે. પરંતુ વરસાદના જોર સામે રસ્તાઓમાં ગાંબડા પડી જાય છે. આ મુદ્દે ગઈકાલે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભાને કોંગ્રેસી સભ્યોએ ગજવી હતી. જેનો પ્રતાપ કહો કે પછી આજે સુરતમાં ગણપતિ દર્શને આવી રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને કારણે તાબડતોબ આ ખાડા પુરાઈ રહ્યાં છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત શહેરના તમામ વિસ્તારોમાં ગણપતિ દર્શન માટે સાંજે છ વાગે આવશે એ પહેલાં સુરત મહાનગરપાલિકાના રોડ રસ્તા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ધોધમાર વરસાદે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલાં રસ્તાની પોલ ખોલી નાખી હતી. ઊબડખાબડ થઈ ગયેલા રસ્તાને કારણે વચાહન ચાલકોને કમ્મરના દુઃખાવાની ફરિયાદો વધી જવા પામી હતી. રસ્તામાં પડેલા ખાડાઓ સંદર્ભે સ્થાનિક કક્ષાએ અથવા કોર્પોરેટરો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવે છે, તેમ છતાં ખાડામા પૂરાણ થતું ન હતું. પરંતુ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતના મહેમાન બની રહ્યાં છે. ત્યારે યુદ્ધના ધોરણે મનપાનું કામ દેખાઈ રહ્યાં છે. ત્યારે શહેરીજનો પણ એવું ઈચ્છે કે દર અઠવાડિયે એકાદ વખત મુખ્યમંત્રીએ સુરતની મુલાકાત લેવી જાઈએ જેથી સુરત મહાનગરપાલિકાનું તંત્ર પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં અપટુડેટ રહે.