સુરત, તા.૧૮
કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય લઘુમતી કમિશનના સભ્ય ખુરશેદ કેકોબાદ દસ્તુરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે લઘુમતી સમાજના અગ્રણીઓ અને અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. દસ્તુરજીની સુરતની મુલાકાતના અવસરે જિલ્લા કલેક્ટર સહિત વિવિધ સમાજના અગ્રણીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ખુરશેદ દસ્તુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબકા સાથ, સબકા વિકાસ સૂત્રને અનુસરવા જણાવી ભારતની છ માન્ય કોમ્યુનિટીઓને સ્પર્શતા પ્રશ્નોને ૧પ મુદ્દા કાર્યક્રમ હેઠળ આવરી લેવાની સાથે લઘુમતી સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચુ લાવવા, શિક્ષણ મેળવતા બાળકોને સ્કોલરશિપ મળી રહે તે માટે પ્રયાસો કરવા, સામાજિક ક્ષેત્રે શિક્ષણની જાગૃતિ ફેલાય તે માટેના સહિયારા પ્રયાસો કરવા તેમજ દરેક સમાજ સાથે એક પરિવારની ભાવનાથી રહેવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે સપ્તાહમાં સાત જ વાર હોય છે પરંતુ હું જુદી જુદી લઘુમતીઓથી રચાયેલા પરિવારને આઠમો વાર ગણું છું. ભારતના વિકાસમાં તમામ કોમ્યુનિટીઓનું આગવું પ્રદાન છે. દેશના વિકાસ પ્રવાહમાં માયનોરિટી સમાજના લોકો પ્રારંભથી જ જોડાયેલા રહી દેશહિતમાં સતત અગ્રેસર રહ્યા છે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલે વડાપ્રધાનના ૧પ મુદ્દાના કાર્યક્રમના અમલીકરણ માટે જરૂરિયાત જણાય ત્યાં અધિકારીઓનો સંપર્ક કરી યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. બેઠકમાં લઘુમતી સમાજની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કરાયો હતો.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર સંજય વસાવા, જિલ્લા વિકાસ અધિકારી કે. રાજેશ, સિટી પ્રાંત અધિકારી બી.એસ. પટેલ સહિત ખ્રિસ્તી, પારસી, મુસ્લિમ, જૈન સહિત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.