(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭
સુરત જિલ્લાના કામરેજ તાલુકા ખાતે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ તોગડિયાને ટ્રક ટેલરે અકસ્માત કરતા પ્રવિણ તોગડિયાનો આબાદ બચાવ થયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ૧૧ કલાકે કામરેજની મનિષા હોટલ પાસે નેશનલ હાઈવે પરથી પ્રવીણ તોગડિયાની કારનો કાફલો પસાર થઈ રહ્યા હતો ત્યારે સચિન વિસ્તારમાં શ્રી હીર કોમ્પ્લેક્ષ ખાતે સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પ્રવીણ તોગડિયા આવી રહ્યા હતા. ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતા પ્રવીણ તોગડિયાની સ્કોર્પિયો કારને ટ્રક ટ્રેલર નં.જીજે-૦૧-ડીએક્‌-૦૮૯૩ના ચાલકે કામરેજ નજીક ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતથી કારને નુકસાન થયું હતું જ્યારે પ્રવીણ તોગડિયાનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે અન્ય વાહન દ્વારા પ્રવીણ તોગડિયાને સુરત પહોંચાડવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે ડૉ.પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે, મારી સુરક્ષા સાથે છીંડા કરવામાં આવ્યા છે મને યોગ્ય સુરક્ષા આપવામાં આવી નથી. અકસ્માત બાદ ડ્રાયવરે ટ્રક રોકી ન હતી ઝેડ પ્લસ કેટેગરીની સિક્યોરિટી હોવાથી બુલેટ પ્રુફ કારની સાથે પાયલોટ અને એસ્કોર્ટ કારની સુરક્ષા મળે છે, પરંતુ આજે પ્રવીણ તોગડિયા આવવાના હોવાથી માત્ર પાયલોટ કાર જ હતી. પ્રવીણ તોગડિયાએ સુરક્ષા વ્યવસ્થા સામે આક્ષેપ કર્યો છે કે, તેમની સુરક્ષા માટેની એસ્કોર્ટ કાર કેમ પાછળ ખેચી લેવામાં આવી. પ્રવીણ તોગડિયાએ અગાઉ પણ પોતાની હત્યા થવાની આશંકા વ્યકત કરવામાં આવી હતી.