(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૪
જીએસટીના વિરોધમાં શાંતિપૂર્વક આંદોલન કરી રહેલ વેપારીઓ પર ગતરોજ પોલીસે કરેલ લાઠીચાર્જના ઘેરા પ્રત્યાઘાત રૂપે આજે વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજે તમામ માર્કેટો બંધ રાખીને વેપારીઓએ રાજકીય આગેવાન અને નેતાઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને જીએસટી સામેનું વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું. આજે સવારથી રાબેતા મુજબ રિંગરોડની માર્કેટોમાં વેપારીઓ અને કર્મચારીઓ આવ્યા હતા. ટેક્ષ્ટાઈલ જીએસટી સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવેલી અપીલ મુજબ વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. ગતરોજ કાપડના વેપારીઓ પર મિલેનિયમ માર્કેટ અને ટેક્ષ્ટાઈલ ચોકી સામે કરેલ લાઠીચાર્જના ઘેરા પ્રત્યાઘાતો આજે જોવા મળ્યા હતા. વેપારીઓમાં જીએસટી લાગુ કરનાર કેન્દ્ર સરકારની સાથે લાઠીચાર્જ કરનાર પોલીસ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગતરોજ પોલીસ દ્વારા નિર્દોષ વેપારીઓ પર કરવામાં આવેલ લાઠીચાર્જ રાજકીય આગેવાન પ્રેરિત હોવાનો સૂર આજે વેપારીઓમાં જોવા મળ્યો હતો. આજે ગતરોજ કરતા વધુ પોલીસ બંદોબસ્ત માર્કેટ વિસ્તારમાં ફાળવવામાં આવ્યો હતો. બપોરે ૧૨ વાગે રિંગરોડ પર આવેલી અન્નપૂર્ણા માર્કેટને વેપારીઓએ કેન્દ્રસ્થાન બનાવ્યું હતું. અન્નપૂર્ણા અને યુનિવર્સલ માર્કેટ સામે હજારોની સંખ્યામાં વેપારીઓ ભેગા થઈને રાજકીય આગેવાન અને વેપારીઓના પ્રતિનિધિ બનીને ફરતા જગનાની તેમજ બુધીયાની હાય-હાયના નારા સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. વેપારીઓએ એક સૂરે હુરીયો બોલાવતા પરિસ્થિતિ તંગ બની હતી. આજે પોલીસ દ્વારા કોઈ દમન કરવામાં આવ્યું નથી. તમામ માર્કેટો સજ્જડ બંધ રહી હતી. કાપડના વેપારીઓ પર ૫ ટકા જીએસટી લાગુ પાડતા શહેરની તમામ ૧૬૫ માર્કેટોના ૭૫ હજારથી વધુ વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ટેક્ષ્ટાઈલ માર્કેટના વેપારીઓના સમર્થનમાં આજે ચોકબજાર વિસ્તારની કાપડની દુકાનો પણ બંધ રાખી જીએસટી સામે વિરોધ નોંધાવ્યો હતો. ટેક્ષ્ટાઈલ ટ્રેડર્સો ઉપર ૫ ટકા જીએસટી લાગુ પાડવામાં આવતા સુરતના ૭૫ હજારથી વધુ નાના-મોટા વેપારીઓ અસરગ્રસ્ત થયા છે. તમામ વેપારીઓ દ્વારા ટેક્ષ્ટાઈલ જીએસટી સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અચોક્કસ મુદ્દત માટે વેપાર-ધંધો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. ગતરોજ કેટલાક તત્ત્વો દ્વારા વેપારીઓની એકતાને તોડવા માટે માર્કેટો ચાલુ રાખવા માટે દબાણ કર્યું હતું. વેપારીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તેમ છતાં આજે વેપારીઓની એકતા બમણા જોષ સાથે જોવા મળી હતી. આજે શહેરની તમામ માર્કેટો બંધ રહી હતી. ચોકબજાર વિસ્તારમાં આવેલી કાપડની દુકાનો પણ સમર્થનમાં બંધ રહી હતી. સારોલી વિસ્તારની તમામ માર્કેટોએ સજ્જડ બંધ પાળ્યો હતો.
સુરતના કાપડના વેપારીઓનું આંદોલન રાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા

અમદાવાદ, તા.૪
અસહ્ય ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (GST)નો વિરોધ કરી રહેલા સુરતના કાપડના વેપારીઓ પર નિર્દયી રીતે લાઠીચાર્જ કરી પોલીસ દ્વારા દોડાવી દોડાવીને મારવાના પ્રત્યાઘાતો છેક રાષ્ટ્રીય કક્ષા સુધી પડ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા અને કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના મુખ્ય સલાહકાર એહમદભાઈ પટેલે આ બનાવને ખૂબ જ આઘાતજનક ગણાવી તેની ગંભીર નોંધ સાથે ટ્‌વીટ કર્યું હતું. તેમના આ ટ્‌વીટને કારણે પીડિત વેપારીઓની વેદનાની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. શ્રી અહમદભાઈ પટેલે પોતાના ટ્‌વીટમાં જણાવ્યું હતું કે, ય્જી્‌નો વિરોધ કરી રહેલા સુરતના વેપારીઓ પોલીસ નિર્દય રીતે તૂટી પડી તે આઘાતજનક છે. સરકારે તેમને દબાવવાનો પ્રયાસ આ રીતે ન કરવો જોઈએ. ત્યારબાદ બીજા ટ્‌વીટમાં પણ જણાવ્યું હતું કે, ‘‘આ બહુ આઘાતજનક છે. શું આ લોકશાહી છે?’’ આમ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાએ આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને વાચા આપતાં ઉચ્ચ સ્તરીય રાજકીય હલચલ મચી જવા પામી છે અને આગામી દિવસોમાં વેપારીઓને બેફામપણે માર મારવાનો મુદ્દો ગંભીર વળાંક લઈ શકે છે. કાપડની વેપારીઆલમ પણ પોતાના વિરોધને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા મક્કમ બની હોવાનું જાણવા મળે છે. માત્ર સુરત જ નહીં પણ દિલ્હી, કોલકાતા સહિતના કાપડના વેપારીઓ સાથે મળીને આ આંદોલનને રાષ્ટ્રીય સ્વરૂપ આપવા કટિબદ્ધ બન્યાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.