(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૦
સુરત શહેરના એ. કે. રોડ પર રેલવે ટ્રેકને અડીને આવેલ અશોકનગર ઝૂંપડપટ્ટીમાં પોલીસે બિનવારસી હાલતમાં રૂ. ૩.૪૯ લાખની કિંમતનો ૫૮.૧૯ કિલો ગાંજા કબજે લીધો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વરાછા પોલીસના સબ ઈનસ્પેક્ટર વી.એસ. પટેલ અને એ.એન જાની સહિતના સ્ટાફના માણસોએ ગુરુવારની સાંજે છ વાગ્યે વરાછા એ. કે. રોડ પર ગાંજા અને દારૂના વેચાણ માટે પ્રખ્યાત એવી અશોક નગર ઝૂંપડપટ્ટીમાં દરોડા પાડયા હતા. ત્યારે રેલવે ટ્રેક નજીક આવેલ અવાવરુ રૂમ નં. ૪૫ના પહેલા માળે તપાસ હાથ ધરતા રૂમમાંથી રૂપિયા ૩,૪૯,૫૦૦ની કિંમતનો ૫૮.૧૯ કિલો ગાંજા અલગ-અલગ કુલ ત્રણ થેલા મળી આવ્યા હતા. પોલીસ હજુ ત્યાંના સ્થાનિક લોકોને આ બાબતે પૂછે તે પહેલાં જ લોકો ભાગી ગયા હતા. જેના કારણે વરાછા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ એનડીપીએસ અંતર્ગત ગુનો નોદ્વધી આગળની તપાસ શરૂ કરી છે. અત્રે જણાવવાનું કે ઓરિસ્સાની ગાંજામ ખાતેથી રેલવે ટ્રેન મારફતે લાખ્ખો રૂપિયાનો ગાંજા સુરત આવે છે. તેમ છતાં રેલવે પોલીસ તેને પકડી શકતી નથી. રેલવે પોલીસના બદલે આરપીએફ તથા રાજ્યની અન્ય પોલીસે ગાંજા પકડવાની શરૂઆત કરી દીધી છે.