(એજન્સી) નવી દિલ્હી,તા.૧૩
ભારતીય જનતા પાર્ટીને સમર્પિત કાર્યકર્તાઓની પાર્ટી માનવામાં આવે છે, પરંતુ જો ટિકિટ ના મળે અથવા તો કપાય ત્યારે કોની પાર્ટી અને કોનું સમર્પણ જેવી સ્થિતિ ઉદ્દભવે છે. પાંચ વર્ષ સુધી વસુંધરા સરકારમાં મોટા હોદ્દા પર બિરાજમાન થઇને મોટું મંત્રાલય સંભાળ્યા પછી કેબિનેટ મંત્રી સુરેન્દ્ર ગોયલની ટિકીટ આ વખતે કપાઇ હતી, જેના કારણે તેઓ ગુસ્સામાં આવી જઇને બીજેપીથી મોહ ભંગ થયો હતો.
મંત્રીજીના સમર્થકોએ ખુલ્લેઆમ બીજેપીના કમળના નિશાનવાળા ઝંડાને સળગાવ્યો અને બીજેપી મુર્દાબાદના સૂત્રોચ્ચાર કર્યા હતા. મંત્રીજી પણ સમર્થકોનો ગુસ્સો જોઇને પોતાનું ધૈર્ય ખોઇ બેઠા અને કહ્યું કે તેમની સાથે દગો થયો છે. સુરેન્દ્ર ગોયલે કહ્યું, બીજેપીના જે વટવૃક્ષને ઉભું કર્યું છે તેને ઉખાડીને ફેંકી દઇશ. પાલી જિલ્લાના જૈતારણ વિધાનસભાની જે સીટ પરથી મેં કમળ ખીલવ્યું હતું. તે કમળને ચૂંટીને ફેંકી દઇશ.
જો કે, સુરેન્દ્ર ગોયલ બીજેપીના કદ્દાવર નેતાઓમાંથી એક રહ્યા છે અને જેતારણ સીટ પરથી ૪ વખત જીતી ચૂક્યા છે પરંતુ આ વખતે અચાનક તેમણી ટિકીટ કપાવાથી તેમના સમર્થકો નારાજ થયા હતા. માનવામાં આવી રહ્યું છે કે, આ વખતે જૈકારામાં જે અથડામણ થઇ હતી, તેને શાંત કરાવવામાં સુરેન્દ્ર ગોયલ અસફળ રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ તેમની ભૂમિકાને લઇને ખુબ નારાજ હતા. તેમણે સંઘની નારાજગીનું નુકસાન વેઠવું પડ્યું છે.
મંત્રીજીએ કહ્યું કે, પાર્ટીએ તેમની સાથે દગો કર્યો છે. મને ૨ દિવસ પહેલા બોલાવવામાં આવ્યો હોત તો હું મારા કાર્યકર્તાઓને સમજાવી શક્યો હોત. ગોયલે કહ્યું, ઈજ્જત બચાવવા માટે હું એવું કહેત કે મારી તબિયત સારી નથી, એટલા માટે હું ચૂંટણી નહીં લડું. મારી ટિકીટ એટલા માટે કાપવામાં આવી કારણ કે હું કોઇને ચાપલૂસી કરતો નથી. તેમણે વધુમાં કહ્યું કે, તમામ લોકોને એવું લાગે છે કે હું સંઘનો વિરોધી છું. એટલા માટે અવસર જોઇને મારા વિરુદ્ધ બીજો ઉમેદવાર ઉભો કરી દેવામાં આવ્યો.. બીજેપીને ખતમ કરવાની ધમકી આપતા ગોયલે કહ્યું કે, પાર્ટીના નેતાઓની અક્કલ હું ઠેકાણે લાવી દઇશ.
બીજેપીના જે વટવૃક્ષને ઊભું કર્યું છે તેને ઉખાડીને ફેંકી દઇશ : સુરેન્દ્ર ગોયલ

Recent Comments