સુરેન્દ્રનગર, તા.ર૧
દેશની રાજધાની દિલ્હીમાં ૮.૫ની તીવ્રતાના ભૂકંપની ચેતવણી વ્યક્ત કરાઈ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ૨૪ કલાકમાં ભૂકંપના ૯ આંચકા આવ્યા હોવાનું બહાર આવ્યું છે. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિચર્સના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાનો સાયલા અને ચૂડા તાલુકો ભૂકંપનું એપી સેન્ટર બની રહ્યો છે.
સમગ્ર રાજ્યમાં વર્ષ ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ આવેલો ભૂકંપ હજુ લોકોના માનસપટ પર અંકીત છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે ખુવારી સર્જાઇ હતી. જાન્યુઆરી માસ નજીક આવવાના સમયે જ દેશની રાજધાની દિલ્હીમાં ભૂકંપની આગાહી બેંગ્લોરની જવાહરલાલ નહેરૂ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટીફીક રીચર્સના સિસ્મોલોજિકલની ટીમે વ્યકત કરી છે. દરમ્યાન ગઈકાલે ૨૪ કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂકંપના હળવા ૯ ઝાટકા નોંધાયા હતા. જેમાં સૌથી વધુ તીવ્રતા તા. ૨૦ના રોજ સવારે આવેલા ૨.૧ની તીવ્રતા સાથેના ચૂડા એપીસેન્ટર ધરાવતા આંચકામાં હતી. જ્યારે સૌથી ઓછી ૧.૦૦ તીવ્રતાનો આવેલો આંચકો તા. ૧૯ના રોજ સવારે નાથુપરામાં એપીસેન્ટર ધરાવતો હતો.
અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિચર્સના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા હળવા આંચકા અંગે ટીમ હાલ રિચર્સ કરી રહી છે. હળવા આંચકા શેના લીધે આવે છે તેના વિશે ત્યાર બાદ ખ્યાલ આવી શકે. સુરેન્દ્રનગર જિલ્લો ભૂકંપ પ્રભાવિત કચ્છ જિલ્લાની નજીક આવેલો હોવાને કારણે પણ જિલ્લામાં આંચકા આવ્યા હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે.