(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧ર
સુરેન્દ્રનગર શહેરમાં સરકારના વિકાસના દાવા અને કાવા દાવા બંને નિષ્ફળ સાબિત થયા છે. સુરેન્દ્રનગર શહેરની જનતાને છેલ્લા અઢી વર્ષથી જાણે બાનમાં રખાઈ છે. હાલ ચૂંટણીઓનો સમય નજીક આવતા સત્તાધારી પક્ષને સત્તામાં ફેરફાર દેખાવા લાગતા હવે સુરાપુરા બનીને શહેરના વિકાસ કામોમાં જોતરાયા છે. સુરેન્દ્રનગર શહેરના અઢી લાખ શહેરીજનો પણ હવે ગાંડા વિકાસની માફક કાબૂ બહાર જતા રહ્યા હોવાનો શાસક પક્ષને અહેસાસ થઈ જતાં સત્તાધારીઓમાં ભારે અફરાતફરી સર્જાઈ છે. રાજકીય નેતાઓ જનતા સમક્ષ જઈ શકે અને ગાંડા વિકાસની વાત નહીં વિકાસ બતાવી શકાય એવું કરવા તંત્રના કલેક્ટર ઉદીત અગ્રવાલ ડીડીઓ અને પદાધિકારીઓ કોન્ટ્રાક્ટરો રોડ ઉપર આવી દિનરાત કામ ઉપર લાગ્યા છે !
સુરેન્દ્રનગર શહેરમાં રસ્તા, ગટર, પાણી જેવી જીવન જરૂરિયાતો વાળી સુવિધાઓ છીનવાઈ જતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોને ઘરની બહાર કેમ નીકળવું એ મોટામાં મોટો સવાલ હતો. એટલે તો શહેરીજનોએ ગામ બંધ રાખી અને જબરદસ્ત રેલી કાઢી અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. મા નર્મદા મહોત્સવના રથ પ્રારંભે ગુજરાતના મુખ્યમંત્રી સુરેન્દ્રનગર આવ્યા હતા. તે કાર્યક્રમ ફ્લોપ ગયો હતો.
મુખ્યમંત્રી મા નર્મદા રથના કાર્યક્રમમાં ફિયાસ્કો બાદ ગામોમાં રથ લઈને જવું કેવી રીતે ? એવો પ્રશ્ન સર્જાયો હતો. જેથી સત્તાધારી વહીવટી તંત્રને આદેશ કરવામાં આવતા તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા શહેરના ૧૪ વોર્ડની એજન્સીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. કામગીરીની સમીક્ષા કરી સત્વરે કામો પૂર્ણ કરવા માટેના આદેશો જારી કરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર શહેરમાં જ્યારે રોડ રસ્તા ભૂગર્ભ ગટર અંગેની સમસ્યાઓને નિવારવા માટે જ્યારે ભાજપ સરકારમાંથી આદેશો મળ્યા છે. ત્યારે શહેરમાં દિન-રાત કામો કરાવવા ઉપર હાલમાં ભાર મૂકવામાં આવ્યો છે. કલેક્ટર ઉદીત અગ્રવાલ જાતે કામો કરાવી રહ્યા છે ત્યારે ૧પ ઓક્ટોબર સુધીમાં તમામ કામો પૂર્ણ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર શહેરના ૧૪ વોર્ડમાં મુખ્ય માર્ગ ગણાતા એવા દેરાસર રોડ, મહાલક્ષ્મી સિનેમા રોડ, ખિજડીયા હનુમાન રોડ, આ ત્રણ માર્ગોનું કામ વહેલાસર પૂર્ણ કરાવવામાં આવનાર છે.
નજીકના દિવસોમાં તમામ વોર્ડમાં પણ આ જ રીતે કામો ઝડપી પૂર્ણ કરાવવામાં આવશે. આમ જેમ બને તેમ શહેરી જનતાની સમસ્યાઓનું નિરાકરણ વહેલીતકે લાવવામાં આવનાર છે. આ તમામ સમસ્યા અને એના નિરાકરણ લાવવા માટે રાતો રાત રોડ ઉપર અધિકારીઓ આવી ગયા. રાતો રાત પડેલા કામો ખોરંભે પડ્યા હતા. ત્યાં જેસીબી ટ્રેક્ટરો કોન્ટ્રાક્ટરો, મજૂરો અને મજૂરો સાથે અધિકારીઓ પણ રોડ રસ્તા ઉપરના કામો કરાવવા રોડ ઉપર આવી ગયા. લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. કલેક્ટર વિકાસની વાતને બદલવા હવે જ્યાં ૧૦ મજૂરો કામ કરતા હતા ત્યાં હવે ૧૦૦ મજૂરો કામે લગાડ્યા છે. જે ચર્ચાનો વિષય બન્યો છે.
સતત કામને લઈ મહિલા મજૂર ઢળી પડી


(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧ર
સુરેન્દ્રનગર શહેરમાં વહીવટીતંત્રએ પાંચ વર્ષ સુધી કામો ન કર્યા અને ચૂંટણીના બ્યુગલો વાગતા જ રાતોરાત રોડ રસ્તાના કામો હાથ ધરાયા છે. જે કામો દિન-રાત ચાલુ જ રાખવામાં આવી રહ્યા છે ત્યારે મજૂર પરિવારો પૈસા માટે પોતે કાળી મજૂરી કરવા બાળકોને પણ રોડ રસ્તા ઉપર છોડી કામમાં જોતરાયેલા રહે છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના જવાહરચોક પાસે એક મજૂર મહિલા ઢળી પડવા છતાં તેને સાઈડમાં રાખી આવા કામોને પ્રાધાન્યતા અપાઈ રહી છે તે શું યોગ્ય ગણાય ?