(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.ર૧
ધ્રાંગધ્રા અને હળવદ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા માલધારી સમાજ ઉપર ખૂની હુમલામાં મૃત્યુ પામેલા ૩ વ્યક્તિના હત્યારાઓને નશ્યત કરવા તથા ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયેલા ગૃહમંત્રીનું તાત્કાલિક રાજીનામું આપવા અંગે સરકારમાં રજૂઆત કરવા આવેદનપત્ર સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને સુરેન્દ્રનગર જિલ્લા માલધારી સમાજે પાઠવ્યું છે. આ આવેદનપત્રમાં જણાવાયું છે કે તા.૧૩/૭/ર૦૧૭ના રોજ ધ્રાંગધ્રા તાલુકા તથા હળવદ તાલુકા ખાતે માલધારીઓના ઠાકર મંદિર ગોપાલ ધામ જે હિન્દુ મંદિર છે ત્યાં દરબારોએ વાહનો સળગાવીને તેમજ ઢોર માર મારીને માલધારીઓની સરેઆમ હત્યા કરીને ધ્રાંગધ્રા હળવદ મોરબી તથા સુરેન્દ્રનગર જિલ્લા માલધારીઓ માટે ભયનું વાતાવરણ ઊભું કરીને માલધારીઓને સતત ડરમાં અંકુશ રાખવાનું જ ધન્ય કૃત્ય તથા મેલી રમત આ સરકારના ગૃહમંત્રીના ઈશારે થઈ રહી છે. માલધારીઓ સાથે બનેલી ઘટના પાછળ રાજ્ય સરકારની પોલીસ અને ગૃહમંત્રાલય દ્વારા ઈરાદાપૂર્વક માલધારીઓ ઉપર અત્યાચાર કરવાની મૌન મંજૂરી આપેલ છે તે દીવા જેવું ચોખું દેખાય છે. આ ઘટના પ્રથમવાર નથી બની છેલ્લા ઘણા વર્ષોમાં માલધારીઓની જાહેરમાં હત્યા કરી જાહેરમાં માર મારવો જાહેર ગાળો આપવી જેવી ઘટનાઓ બનેલી છે અને બની રહેલ છે. ગૃહમંત્રાલયની રહેમ હેઠળ અત્યાચાર થયેલ છે અને થઈ રહેલ છે. આવી ઘટનાઓ રોકવામાં ગૃહમંત્રી નિષ્ફળ નિવડેલ છે. જો આની સામે તાત્કાલિક પગલા નહીં લેવાય તો માલધારીઓ પર અત્યાચાર વધી જશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની બનશે. સુરેન્દ્રનગર જિલ્લાના માલધારી સમાજે આ ઘટનાને સંપૂર્ણ વખોડીને સરકાર સમક્ષ ગૃહમંત્રીના રાજીનામા સહિતની માગણી કરેલ છે.