નવી દિલ્હી તા. ૨૦

પેલેસ્ટાઈનની વિરૂદ્ધમાં ઈઝરાઈલ દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકના મોદીએ કરેલા વખાણનો સખત વાંધો ઉઠાવતાં નેશનલ પેન્થર્સ પાર્ટી ચીફ પ્રો.ભીમ સિંહે આજે એવું જણાવ્યું કે તે ભારતની વિદેશ નીતિની વિરૂદ્ધમાં છે. વડાપ્રધાન મોદીને પાઠવવામાં આવેલા એક પત્રમાં ભિમસિંહે મોદીએ કરેલા ઈઝરાઈલના વખાણ પર અસંતોષ વ્યક્ત કર્યો. તેમણે ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈકને તથાકથિત ગણાવી. આ પહેલા  વડાપ્રધાન મોદીએ લશ્કરની સર્જિકલ સ્ટ્રાઈકના ભરપૂર વખાણ કર્યાં હતા. ભારતીય લશ્કરને ઈઝરાઈલી લશ્કર સાથે સરખાવતાં મોદીએ કહ્યું હતું કે પહેલા ઈઝરાઈલી લશ્કરના વખાણ કરતાં લોકો થાકતા નહોતા અને આજે ભારતીય લશ્કરના વખાણ કરવામાં આવી રહ્યાં છે. વિશ્વ આજે ભારતીય લશ્કર વિશે વાતો કરી રહ્યું છે. તેમણે કહ્યું પહેલા ઈઝરાઈલી લશ્કરના વખાણ થતા હતા અને હવે બધાને ખબર છે કે આપણું લશ્કર પણ સર્જિકલ સ્ટ્રાઈક કરી શકવા સક્ષમ છે. ભીમસિંહના જણાવ્યાનુસાર ઈઝરાઈલની સર્જિકલ સ્ટ્રાઈકના મોદીએ કરેલા વખાણ  પેલેસ્ટાઈનની હિતની વિરૂદ્ધમાં છે. ભીમસિંહે તેમના પત્રમાં પીએમ મોદીને એવી વિનંતી કરી છે હું ઈચ્છુ છું કે તમે ઈઝરાઈલ વિશે જે વાત કરી છે તે વાત તમારે પાછી ખેંચવી જોઈએ. તેમણે કહ્યું કે મને લાગે છે કે તમારા નિવેદનને ખોટું અર્થઘટન થયું છે. ભારતે પેલેસ્ટાઈનને એક મિત્ર તરીકે સ્વીકાર્યું છે તેથી આવી વાત કરવી પેેલેસ્ટાઈની વિરૂદ્ધમાં છે.