(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૧
શહેરના ઐતિહાસિક સુરસાગર તળાવનું રૂા.૩પ કરોડના ખર્ચે નવિનીકરણ કરવામાં આવ્યું છે. આજે મહાશિવરાત્રી પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવવાનું હતું. જો કે, અમિત શાહનો સત્તાવાર કોઈ કાર્યક્રમ જાહેર કરાયો ન હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સુરસાગર તળાવનું લોકાર્પણ કરાયું હતું. વર્ષ ર૦૧૮માં ઐતિહાસિક સુરસાગર તળાવના બ્યુટીફિકેશનનો પ્રારંભ કરાયો હતો અને મહાશિવરાત્રી પૂર્વે તેની કામગીરી રૂા.૩પ કરોડના ખર્ચે પૂરી થઈ હતી. ૧.૪ કિ.મી.નો ઘેરાવો ધરાવતા સુરસાગરના નવા રૂપ બાદ એક સાથે ૪પ૦૦ લોકો બેસી શકે અને રપ હજારથી વધુ લોકો ચોતરફથી નિહાળી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. આજે મહાશિવરાત્રી પર્વે શહેરના ઐતિહાસિક તળાવનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં થવાનું હોવાની જાહેરાતો કરવામાં આવી હતી. શહેરમાં ઠેર-ઠેર હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા હતા. તદ્‌ઉપરાંત કોર્પોરેશન દ્વારા પણ અમિત શાહ આવવાના હોવાની જાહેરાત કરી દેવામાં આવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ અમિત શાહનો કાર્યક્રમ કોઈ કારણોસર રદ્દ કરાયો અને તેઓ આજના કાર્યક્રમમાં નહીં આવે તેવું જાણવા મળી રહ્યું છે. જો કે, મહત્ત્વની વાત તો એ છે કે, અમિત શાહનો સત્તાવાર કોઈ કાર્યક્રમ જાહેર કરાયો જ ન હતો. તેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સુરસાગર તળાવનું લોકાર્પણ કરાયું છે.