(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
ટીવી કાર્યક્રમ સાવધાન ઇન્ડિયામાં દેખાતા સુશાંત સિંહ રાજપૂતે નાગરિકતા કાયદાના વિરોધમાં આયોજિત રેલીમાં ભાગ લેતા તેમને શોમાંથી બહાર કરી દેવાયા છે. સુશાંતસિંહે જ આ અંગે જાણકારી આપતા કહ્યું કે, નાગરિકતા કાયદા વિરૂદ્ધ દેખાવમાં ભાગ લેવા બદલ તેમને શોમાંથી બહાર કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે, સાવધાન ઇન્ડિયા એક ક્રાઇમ શો છે અને વર્ષ ૨૦૧૧થી સુશાંત તેને હોસ્ટ કરે છે. સુશાંતસિંહે પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પરથી ટિ્‌વટ કર્યું હતું જેમાં તેમણે જાહેરાત કરી હતી કે, હવે તેઓ ટીવી શો સાવધાન ઇન્ડિયાના ભાગ નથી. સુશાંતે આગળ જણાવ્યું કે, આ તો ઘણી નાની કિંમત છે મારા મિત્ર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને જવાબ કેવી રીતે આપીશ? સુશાંતે આગળ લખ્યું કે, ‘અને મારો અને સાવધાન ઇન્ડિયાનો સાથ અહીં જ સમાપ્ત થાય છે.’ તેમના આ ટિ્‌વટને જોઇને તેમના પ્રશંસકોએ કોમેન્ટ્‌સ કરી હતી. સુશાંતના ફેન્સ તેમનીસાથે ઉભા છે અને તેમની હિંમતને સલામ કરીને તેમનો આભાર માની રહ્યા છે. એક ફેને લખ્યું કે, તમે સાચું બોલવાની કિંમત ચુકવી છે. આવા સમયે સુશાંતે પણ યૂઝરના જવાબમાં લખ્યું કે, ‘આ તો બહુ નાની કિંમત છે મારા મિત્ર, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને શું જવાબ આપીશ? સુશાંતના આ જવાબથી તમામ લોકો સહમત દેખાયા અને સ્પષ્ટ થઇ ગયું કે, તેમને આ કારણે જ શોમાંથી બહાર કરાયા છે.
ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ દેશના મોટાભાગના રાજ્યોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. દિલ્હીની જામિયા મિલ્લિયા યુનિવર્સિટીમાં ઘૂસીને પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર બર્બરતા દેખાડાઇ હતી તેના વિરોધમાં પણ સોમવારથી દેખાવો ચાલુ થઇ ગયા છે જે હવે રોકાવનું નામ લેતા નથી. દેખાવકારો આ સીએએ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. દિલ્હીમા જામિયા નગર અને જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ જોરદાર દેખાવો કર્યા હતા. તેમની સામે પોલીસે દમનકારી કાર્યવાહી કરી હતી.જ્યારે મુંબઇમાં વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો યોજાયા ત્યારે તેમાં અભિનેતા સુશાંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા. તેઓ દેખાવમાં સામેલ થયા હોવાથી જ શોમાંથી બહાર કરવાની કિંમત તેમણે ચુકવી છે તેમ કહેવાય છે. સાવધાન ઇન્ડિયા એક ક્રાઇમ શો છે જેમાં સુશાંતસિંહ હોસ્ટ છે. આ શોને તેમણે ૨૦૧૧થી હોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. સોશિયલ મીડિયા પર પણ લોકો સુશાંત સાથે ઉભેલા દેખાય છે. એક યૂઝરે કહ્યું કે, ‘‘અલ્લાહ એક દરવાજો બંધ કરે છે તો બીજો ખોલી દે છે’’ જ્યારે બીજાએ કહ્યું કે, અમને ખબર છે કે, તમારૂં ટેલેન્ટ કાંઇ વધુ મોટું અને સારૂં શોધી લેશે.