અમદાવાદ, તા.૩૦
રાષ્ટ્રીય મહિલા આયોગ, દિલ્હીના સભ્ય સુષ્મા સાહુએ આજે સાબરમતી મધ્યસ્થ જેલમાં રહેલી મહિલા કેદીઓની મુલાકાત લીધી હતી અને જેલમાં મહિલા કેદીઓને આપવામાં આવતી સુવિધાઓની જાણકારી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય મહિલા આયોગ દેશભરમાં જેલમાં રહેલી મહિલા કેદીઓની સ્થિતિ અંગે ચિંતિત છે અને તેમને માનવજીવનને છાજે તેવું સ્વમાનપૂર્ણ જીવન પ્રાપ્ત થાય તે અંગેની જરૂરી સગવડો ઉપલબ્ધ થાય તે માટે ગુજરાતની મુલાકાતે છે. તેઓએ બહેનો માટે આપવામાં આવતી સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. એનજીઓ દ્વારા સેનેટરી પેડ-નેપકિન બનાવવાની તાલીમ લઈને મહિલાઓ કાર્ય કરે છે અને વેતન મેળવે છે તથા સરકાર દ્વારા ચલાવવામાં આવતી કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્રમાં સિવણ કામ, બ્યુટીપાર્લરમાં પણ બહેનો તાલીમ મેળવે છે. આ ઉપરાંત મહિલા કેદીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવતી રસોઈની ગુણવત્તાની ચકાસણી પણ કરી હતી. જેલની અંદર રહેલા દવાખાનામાં આપવામાં આવતી સુવિધાઓ અને મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધી બાબતે જેલ અધિક્ષક અને ડૉક્ટર સાથે સંવાદ કર્યો હતો. મુલાકાત દરમિયાન સાહુએ જણાવ્યું કે, અહીથી સિવણ, બ્યુટીપાર્લરની તાલીમ પ્રાપ્ત કરીને જેલમાંથી બહાર નીકળ્યા બાદ બહેનોને યોગ્ય વેતન મળે અને સ્વમાનભેર જીવન જીવી શકે તેવી પ્રવૃત્તિઓ જેલપ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવે તે માટે તેમણે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. રાષ્ટ્રીય આયોગના સભ્ય સુષ્મા સાહુ સાથે ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા લીલા અંકોલિયા પણ સાથે હાજર રહ્યા હતા.