(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૩
શનિવારે મુખ્યમંત્રી પિનારાઈ વિજયને મૃતકોના સંબંધીઓને ૪ લાખ રૂપિયા અને પૂરમાં પોતાની સંપત્તિ ખોઈ બેસનાર લોકોને ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.
કેરળમાં આવેલા ભારે વરસાદને પગલે ખૂબ જ નુકસાન થયું છે ત્યારે આજે વિદેશમંત્રાલફ દ્વારા કેરળના લોકો માટે રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે જાહેરાત કરી છે કે, પૂરને કારણે જે લોકોના પાસપોર્ટ ખરાબ થઈ ગયા છે, તેને મફતમાં બદલી આપવામાં આવશે. લોકોને આ માટે પાસપોર્ટ કેન્દ્રનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે.
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે રવિવારે ટ્‌વીટ કરી કે, કેરળમાં ભયાનક પૂરને કારણે ખૂબ જ નુકસાન થયું છે. અમે નક્કી કર્યું છે કે, જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય નહીં થાય, ત્યાં સુધી પૂરને કારણે નાશ પામેલા પાસપોર્ટને મફતમાં બદલી આપવામાં આવશે. કૃપા કરીને સંબંધિત પાસપોર્ટ કેન્દ્રનો સંપર્ક સાધો.
કેરળમાં આવેલા વિનાશક પૂરને પગલે અત્યાર સુધીમાં સાડત્રીસ લોકોના મોત નિપજ્યાં છે. વરસાદને કારણે સૌથી વધુ નુકસાન કન્નૂર, વાયનાડ, ઈડુક્કી, મુલ્લપુરમ અને કોઝિકોડ વિસ્તારોમાં થયું છે. ત્યાં લોકોની મદદ માટે સેનાએ મોરચો સંભાળ્યો છે.
સેનાએ જણાવ્યા મુજબ, આ દરેક ક્ષેત્રોમાં રાહતની કામગીરી માટે જવાનોની ૪૦ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે, જેનાથી પૂરમાં ફસાયેલા લોકોને બચાવી શકાય. અત્યાર સુધીમાં મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિત ૧૦૦૦થી પણ વધુ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારમાંથી બચાવી લેવાયા છે.