National

સુષમા સ્વરાજે કહ્યું આગામી ચૂંટણી નહીં લડું, સ્વાસ્થ્ય કારણો આગળ ધર્યા

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
મોદી સરકારમાં ફાંકડા નેતાના રૂપમાં પોતાની છબિ બનાવનારા કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજ ૨૦૧૯ની ચૂંંટણી નહીં લડે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા સુષમા સ્વરાજે આ અંગે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે મેં નક્કી કરી લીધું છે કે, આગામી લોકસભા ચૂંટણી નહીં લડું. અહેવાલો અનુસાર તેમણે સ્વાસ્થ્ય સારૂ ન રહેવાને કારણે આ નિર્ણય લીધો છે. બીજી તરફ સુષમાએ એમ પણ કહ્યું કે, આખરી નિર્ણય પાર્ટી લેશે પણ તેમણે ચૂંટણી નહીં લડવાનો નિર્ધાર કરી લીધો છે. સુષમા સ્વરાજ મધ્યપ્રદેશના વિદિશામાંથી લોકસભા સાંસદ છે અને ભાજપના ટોચના નેતાઓમાંથી એક છે.
આ પહેલા ૨૦૧૬માં સુષમા સ્વરાજને તાવ અને નિમોનિયાના લક્ષણોને પગલે ગભરામણ થતા તેમને એમ્સમાં દાખલ કરાયા હતા. સુષમા સ્વરાજની કિડની પ્રત્યારોપિત કરાઇ હતી. ૧૦ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ એમ્સના ૫૦ ડોક્ટરોની એક ટીમે સુષમા સ્વરાજની કિડની પ્રત્યારોપિત કરી હતી. મોદી સરકારમાં સુષમા સ્વરાજની છબિ આકરા નેતાની છે. સોશિયલ મીડિયા પર પણ તેમની લોકપ્રિયતા છે. ટિ્‌વટર દ્વારા મદદ માટે સુષમા સ્વરાજ ઘણા જાણીતા છે. એટલું જ નહીં પણ વૈશ્વિક મંચો પર પણ સુષમા સ્વરાજ નિડરતાથી ભારતનો પક્ષ રાખે છે.