(એજન્સી) પટના, તા. ૩૦
બિહારના પાટનગર પટનામાં થયેલા ભયંકર વરસાદ બાદ પૂરના પાણી નેતાઓ તથા અધિકારીઓના ઘરો સુધી પહોંચી ગયા હતા. સરકારમાં નંબર-૨ અને બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પણ પૂરથી બચી શક્યા ન હતા. છેલ્લા ત્રણ-ચાર દિવસથી થઇ રહેલા ભારે વરસાદને કારણે સમગ્ર પટના પાણીમાં ગરકાવ થયું છે. સુશીલ કુમાર મોદી અને બે પૂર્વ મુખ્યમંત્રીઓ સતેન્દ્ર નારાયણસિંહ અને જીતનરામ માંઝીના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું હતું. ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીના રાજેન્દ્રનગર ખાતે આવેલા મકાનમાં પાણી ઘૂસી જતા એનડીઆરએફે ત્રણ દિવસ બાદ તેમના પરિવારને બચાવ્યો હતો. સુશીલ કુમાર મોદીને બહાર કઢાયા બાદ તેઓ સામાન્ય લોકોની જેમ ઘરના સામાન સાથે હાલાકી ભોગવી રહેલા નજરે પડ્યા હતા. સુશીલ કુમાર મોદીના ઘરનો પ્રથમ માળ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. મોદી પોતે પણ પોતાના ઘરમાં ફસાઇ ગયા હતા.