(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૧
રાજયના ઉદ્યોગકારો માટે ગુજરાત સરકાર વધુ રાહત આપવા કટિબદ્ધ બની છે. સમગ્ર રાજયમાં ઉદ્યોગકારો માટે વિદ્યુત શુલ્ક માફીની ઓનલાઈન સુવિધાનો તા.ર૧ નવેમ્બરથી અમલ કરવાની સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે. ઉદ્યોગ એકમોની વિદ્યુત શુલ્ક માફી અરજીઓ ઓનલાઈન મંજૂર કરવા સરકાર દ્વારા આજે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરાયું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ રાજયમાં વેપાર-ઉદ્યોગોને વધુમાં વધુ સેવાઓ ઝડપી સરળ અને ઓનલાઈન મળી રહે તેવા અભિગમ સાથે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ ક્ષેત્રે વધુ એક પહેલ કરતા આ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ પદ્ધતિ અમલી બનતા રાજયના ઉદ્યોગકારોને ઓનલાઈન વિદ્યુત શુલ્ક માફી આપનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજય બનવાનું છે તેમ જણાવતા ઉર્જા મંત્રી સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ઓનલાઈન વિદ્યુત શુલ્ક માફી મેળવવા માટે સંબંધિત ઉદ્યોગ એકમોએ ઓનલાઈન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા સાથે રજિસ્ટ્રેશન અને અરજી સબમીટ કરવાની રહેશે. આવી અરજીઓની સીસ્ટમ દ્વારા ચકાસણી કરીને નિયત જોગવાઈઓ પરિપૂર્ણ જણાતા ડિઝિટલ સિગ્નેચર સાથેનું માફી પ્રમાણપત્ર માત્ર એક જ દિવસ એટલે કે ર૪ કલાકમાં જ જનરેટ થશે. અરજી સાથે મળેલા જરૂરી દસ્તાવેજોનું પણ સ્ક્રીનિંગ કરી, ચકાસણી કરીને જો યોગ્ય હોય તો સંબંધિત વીજ વિતરણ કંપનીને પણ ઈ-મેઈલ દ્વારા માફી પ્રમાણપત્રની જાણ કરવામાં આવશે. સીસ્ટમ જનરેટેડ બધા જ માફી પ્રમાણપત્રોની ૯૦ દિવસમાં સમીક્ષા પણ કરાશે. એમ જણાવતા મંત્રીએ કહ્યું કે, ઓનલાઈન માફીનો લાભ મેળવનારા એકમોનો રિવ્યુ કરવામાં આવશે. એટલું જ નહીં ખોટી માહિતી કે દસ્તાવેજોના આધારે જો લાભ મેળવ્યો હશે તો વાર્ષિક ૧૮ ટકા વ્યાજ વસુલવા સાથે આવો જે લાભ મેળવ્યો હશે તે રદ કરવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. સમગ્ર રાજયમાંથી દર વર્ષે વીજ કર માફી માટેની અંદાજે ૩ હજાર જેટલી અરજીઓ આવે ેછે. જે દ્વારા ઉદ્યોગોને દર વર્ષે લગભગ ૯૦૦ કરોડ રૂપિયાનો લાભ મળે છે.