શહેરની એસવીપી હોસ્પિટલમાં પગાર કાપના નિર્ણયના વિરોધમાં ૭૫ ટકાથી વધુ નર્સિગ સ્ટાફ કામ છોડી ધરણા પર ઉતરી જતાં તંત્રએ સ્થિતિ બગડે તે પહેલા પગાર કાપનો નિર્ણય પરત ખેંચવાની ફરજ પડી હતી

અમદાવાદ, તા.૮
કોરોના મહામારીને પહોંચી વળવા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ ખડેપગે કોરોનાના દર્દીઓની સેવા કરતા રહ્યા છે. ત્યારે અમદાવાદ ખાતે આવેલી એસવીપી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પગાર કાપના મુદ્દે ધરણાં પર બેઠા હતા. જો કે સ્થિતિ કાબૂ બહાર નિકળી જાય તે પહેલા પગાર કાપનો નિર્ણય પરત ખેંચ્યોે છે.
એસવીપી હોસ્પિટલમાં ફ્રન્ટ લાઈન વોરિયર્સ એવો નર્સિંગ સ્ટાફ ધરણા પર બેઠતા સત્તાધીશોએ સ્ટાફને મેસેજ કરી જાણ કરી હતી કે, પગાર કાપનો જે નિર્ણય અગાઉ લેવાયો હતો તે નિર્ણય પરત લેવામાં આવે છે અને હવે કોઈનો પગાર કપાશે નહીં. ફ્રન્ટલાઈન વોરિયર્સ નર્સિંગ સ્ટાફના પગારમાં કાપ મુકાતા એસવીપી હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. વહેલી સવારથી નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો હતો અને કામથી દૂર રહ્યો હતો. પૂરો પગાર આપવાની માગ સાથે સ્ટાફે હોસ્પિટલ કેમ્પસમાં જ ઘરણાં યોજ્યા હતા. મળતી માહિતી મુજબ, નર્સિંગ સ્ટાફના પગારમાં ૨૦ ટકાથી વધુનો કાપ મુકતા કોરોના વોરિયર્સમાં રોષ ફેલાયો હતો. અમુક કિસ્સાઓમાં નર્સિંગ સ્ટાફનો ૩૫ હજાર પગાર હતો, પરંતુ કોરોના મહામારીમાં તેમને વળતર આપવાના બદલે ૨૨ હજાર પગાર ચૂકવાતા રોષ ફાટી નીકળ્યો હતો. આમ તેમની પગારમાં ૧૦ હજારથી ૧૨ હજારનો કાપ મુકાયો હતો. આ ઘટનાને લઈને હોસ્પિટલનો ૭૫ ટકા સ્ટાફ ધરણાં પર ઊતર્યો હતો અને વહેલી સવારથી નર્સિંગ સ્ટાફ કામથી અળગો રહ્યો હતો. કોરોના વૉરિયર્સનું કહેવું છે કે, અમે અહીં પોતાનું ઘર છોડીને કામ કરી રહ્યાં છીએ. અમારા પગારમા ૧૦થી ૧૨ હજાર રૂપિયાનો કાપ મુકવામાં આવ્યો છે. મોટાભાગનો સ્ટાફ પોઝિટિવ થઇ ગયો છે. અમે ઘરે પણ જઇ નથી શકતા અને બીજી તરફ અમને રહેવા માટે હોટલનાં રૂમ આપવામાં આવ્યાં હતાં. ત્યાંથી પણ અમને જવાનું કહી રહ્યાં છે. તો અમારે હવે જવું ક્યાં. અમે અમારા જીવના જોખમે અહીં કામ કર્યું છે તેના બદલામાં અમને કોઇ સુવિધા મળીનથી રહી.
અન્ય કોરોના વોરિયરે જણાવ્યું કે, ગુજરાત સરકારે કોરોના દર્દીની સારવાર કરવા માટે એક દિવસનાં ૨૫૦ રૂપિયા આપવાનું કહ્યું હતું. પરંતુ અમને કોઇ જ વધારાનું ભથ્થુ તો નથી જ મળતું અને અમારો છે એટલો પણ પગાર કાપવામાં આવે છે. અમારો પચાસ ટકા પગાર કપાય છે. જે બચે છે તેમાંથી પીએફ પણ કાપે છે તો અમારે ઘરે કેટલા મોકલાવા અને અમારા માટે શું રહે. અમારૂં શોષણ થઇ રહ્યું છે. અન્ય એક નર્સે વાત કરતા જણાવ્યું કે, અહીં અમે મહિનાઓથી કામ કરીએ છીએ. અમારામાંથી કોઇનો એકપણવાર ટેસ્ટ કરવામા નથી આવ્યો. અમને ખબર જ છે કે અમે મરવાના છીએ તો પણ અમે કામ કરીએ છીએ. જોકે, અંતે પરિસ્થિતિ બગડશે તેમ જણાતા તંત્રએ પગાર કાપનો નિર્ણય પરત ખેચતા સ્ટાફ ફરજ પર પરત ફર્યો હતો.