અમદાવાદ, તા.૯
અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણના કેસ વધી રહ્યા છે. ૧લી જૂનથી અમદાવાદ શહેરમાં અનલોક-૧નો આરંભ કરાયો છે. છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવા છતાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તંત્ર દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ઉપર સસ્પેક્ટેડ દર્દીઓના ટેસ્ટ બંધ કરી દેવાયા છે જેથી મજબૂરીમાં નાગરિકોએ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા પડી રહ્યા છે. બીજી તરફ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો તેમ કહી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને પછી ખાનગી હોસ્પિટલમાં મ્યુનિ.ના રિઝર્વ બેડમાં દાખલ કરાતા નથી. એસવીપી હોસ્પિટલમાં પ૦ ટકા બેડ ખાલી પડ્યા છે છતાં દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા નથી. આ અંગે મ્યુનિસિપલ વિપક્ષના નેતા દિનેશ શર્માએ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને પત્ર પાઠવી માંગ કરી છે કે, દર્દીઓના ટેસ્ટ જલ્દીથી શરૂ કરવામાં આવે, ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓએ કોઈ ઈમરજન્સીમાં ખાનગી લેબોરેટીમાં ટેસ્ટ કરાવ્યો હોય અને ટેસ્ટ પોઝિટિવ આવે તેવા સંજોગોમાં તેવા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મ્યુનિ. રિઝર્વ બેડમાં દાખલ કરવામાં આવે, એસવીપી હોસ્પિટલમાં તમામ એક હજાર બેડ ઉપર કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવે, અમદાવાદ શહેરની કોવિડ જાહેર કરેલી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખાલી બેડ અને ભરેલા બેડની માહિતીમાં સંપૂર્ણ પારદર્શિતા દાખવવી જરૂરી છે. મોબાઈલ એપ કે ઓનલાઈન માહિતી મૂકવામાં આવે અને એક ક્લિકમાં દર્દીઓ જાણી શકે કે કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે. ક્યાં વેન્ટિલેટર ઉપલબ્ધ છે, આમ કોરોના દર્દીઓને દાખલ કરવાની વ્યવસ્થામાં સંપૂર્ણ પારદર્શિતા દાખવવામાં આવે તેવી વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે, તેમ છતાં પ્રજાહિતમાં ઉપરોક્ત માગણીઓ સત્વરે પૂરી નહીં થાય તો કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ સાથે આવેદનપત્ર આપી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.