(એજન્સી) મુંબઇ, તા. ૧૯
કોબ્રાપોસ્ટ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં એક રાજકીય પક્ષ માટે સાનુકૂળ માહોલ બનાવવામાં મદદ કરવા માટે નાણા લઇને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સ પર અનુકૂળ સંદેશ પોસ્ટ કરીને એ રાજકીય પક્ષને પ્રોત્સાહન આપવા માટે બોલિવૂડ અને ટેલિવૂડની ત્રણ ડઝન્સ જેટલી હસ્તીઓ સહમત થઇ હતી. આ કલાકારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનમાં પોતાનો અવાજ આપનાર ગાયક કૈલાશ ખેરનો પણ સમાવેશ થાય છે. કૈલાશ ખૈર ભાજપના એજન્ડાને પ્રોત્સાહન આપવા કાળું નાણું સ્વીકારવા માટે તૈયાર થઇ ગયો. કૈલાશ ખૈરે કોબ્રાપોસ્ટની ટીમને કહ્યું હતું કે ‘એ બધું તેઓ જ બતાવશે… એ બધું થઇ જશે તમે તેમની (કૈલાશ ખૈરની એજન્સી) સાથે વાત કરો.

કયા કલાકારે શું કહ્યું ?

– સની લિયોની :- કોબ્રાપોસ્ટના પત્રકારને સની લિયોનીએ કહ્યું કે જો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તેના પતિ ડેનિયલ વેબરને ભારતના પ્રવાસી નાગરિકનો દરજ્જો આપે તો તે ભાજપનું સમર્થન કરશે.
– વિવેક ઓબેરોય : – વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં મોદીની ભૂમિકા ભજવનાર બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય આ સોદા માટે એટલો ઉત્સુક હતો કે તેણે કેમરા સામે જ કહ્યું કે ‘ હું તમને બતાવવા માગું છું કે સપ્ટેમ્બરમાં કામ શરૂં કરી શકું તેના માટે મારા જતા પહેલા ઔપચારિકતાઓ પુરી કરી લો,કારણ કે પછી હું કેરળ અને અઝરબૈજાન જઇશ. હું ગમે ત્યાંથી ટિ્‌વટ કરી શકું છું. પોતાના મેનેજર તરફ વળીને વિવેકે કહ્યું કે તમે આ બધાની સાથે આ બાબતે ચર્ચા કરી શકો છો. ત્યાર પછી હું, તમારી અને મારી સોશિયલ મીડિયા ટીમ એક તબક્કાની યોજના બનાવશે.
– સોનુસૂદ :- કોબ્રાપોસ્ટના પત્રકાર દ્વારા ઓફર કરવામાં આવેલા કાર્ય કરવા માટે બોલિવૂડ કલાકાર સોનુસૂદે ૨૦ કરોડ રૂપિયા માગ્યા હતા. બાદમાં તેણે માસિક ૨.૫ કરોડ રૂપિયાની માગણી કરી હતી. તેણે કહ્યું કે પાંચ કે સાત ટિ્‌વટ થઇ શકે છે. મારા સંદેશ સારા અને ભારે મજબૂત હશે.
– અભિજીત ભટ્ટાચાર્ય :- બોલિવૂડના ભૂતપૂર્વ ગાયક અભિજીત ભટ્ટાચાર્યે જણાવ્યું કે ભાજપની પ્રગતિ માટે વીડિયો બનાવવા માટે તે પોતાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરશે.
– શક્તિકપૂર :- પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરીને ભાજપના એજન્ડાને સંપૂર્ણપણે આગળ વધારવામાં બોલિવૂડ કલાકાર શક્તિકપૂરને કોઇ સંકોચ નથી. શક્તિકપૂરે કહ્યું હતું કે તે ભગવા પાર્ટીનો સમર્થક છે. ભાજપે તેને ૨૦૧૪માં ઉત્તરાખંડ માટે પોતાનો સ્ટાર પ્રાચરક બનાવ્યો હતો., તે વખતે તેણે અને નરેન્દ્ર મોદીએ એક જ મંચથી જાહેર ભાષણ આપ્યું હતું.

અભિજીત ભટ્ટાચાર્યે ભાજપ માટે પોતાના મોબાઇલનો ઉપયોગ કરવાની તૈયારી બતાવી

(એજન્સી) મુંબઇ, તા. ૧૯
બોલિવૂડના ભૂતપૂર્વ ગાયક અભિજીત ભટ્ટાચાર્યે જણાવ્યું કે ભાજપની પ્રગતિ માટે વીડિયો બનાવવા માટે તે પોતાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરશે. અભિજીતે અહીં પણ મુસ્લિમોની વિરૂદ્ધમાં ઝેર ઓકવાની તક ન ગુમાવી. હૈદરાબાદના ભાજપના એક ધારાસભ્ય રાજાસિંહ દ્વારા કરવામાં આવેલા એક વિવાદાસ્પદ નિવેદનનો ઉલ્લેખ કરીને અભિજીત ભટ્ટાચાર્યે જણાવ્યું કે રાજાસિંહે યોગ્ય કામ કર્યું. રાજાસિંહ તેને મળવા આવે છે. રાજાસિંહ હૈદરાબાદના યોગી આદિત્યનાથ છે. રાજાસિંહે કહ્યું હતું કે રોહિગ્યાઓને કોઇ આશ્રય શા માટે આપીએ ? તેમને ગોળીઓ શા માટે મારી ન દેવી જોઇએ ? આ વલણ હોવું જોઇએ… નહીં. હું કહીશ કે રોહિંગ્યાઓને ગોળીમારો, એટલું જ નહીં રોહિંગ્યાઓને સમર્થન આપનારાઓને પણ ગોળીમારી દો. પહેલા તેમના સમર્થકોને મારો અને પછી તેમને.