(એજન્સી) જયપુર, તા.ર
વડાપ્રધાન મોદી દ્વારા બીજી ઓક્ટોબરથી દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ રાજસ્થાનના પાટનગર જયપુરમાં આ મિશનની શરૂઆત એક મુસ્લિમ વકીલ દ્વારા પાછલા ૩૦ વર્ષોથી સતત ચાલી રહી છે. જયપુર નિવાસી ૬૩ વર્ષીય શકીલ અહેમદ પાછલા ૩૦ વર્ષોથી રોજ સવારે પાટનગરની સફાઈ કરવા નીકળી પડે છે. શકીલ અહેમદનું કહેવું છે કે સફાઈ કરવી અને સાફ રહેવું લાગે છે અને એમાં જ ખુશી મળે છે. શકીલ રોજ સવારે ઝાડુ અને કચરાનો ડબો લઈ પાટનગરના સફાઈ કામ માટે નીકળે છે. એક અકસ્માતમાં એમના પગમાં ઈજા થઈ હતી. જેને કારણે તેમને પથારીવશ થવું પડ્યું હતું. તસવીરમાં શકીલ અહેમદને ચાલવામાં તકલીફ પડતી હોય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ કહેવતને સાર્થક કરનાર શકીલ સ્વચ્છતા કર્મને અપનાવી પોતાની યાત્રા જારી રાખી. સવારની નમાઝ પઢીને તેઓ પોતાના સ્વચ્છતા અભિયાન માટે નીકળી પડે છે. શકીલ માત્ર સડકો જ સાફ કરતા નથી પરંતુ કચરો ઉપાડીને કચરાના પાત્રમાં ભરી પોતાની સાયકલ પર કચરાના ડબ્બામાં ઠાલવવા પણ જાય છે. એમણે કહ્યું કે તેમણે ઘણા વર્ષોથી પોતાના આજુબાજુના વિસ્તારોની સફાઈ કરવાની જવાબદારી ઉપાડી છે. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ સ્વચ્છતા અભિયાનને હવે વધુ સમય આપી શકે છે. શકીલે કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનનું સમર્થન કરે છે અને એના માટે તેઓ દરરોજ પ્રયાસ ચાલુ રાખશે.