બેઈજિંગ,તા.૧
પાકિસ્તાને ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદનને મુકત કરતા ચીને પાકિસ્તાનના આ પગલાનું સ્વાગત કરી આ પગલાને શુભ સંકેતો તરીકે ગણાવ્યું હતું. ચીને પાકિસ્તાનના પગલાની પ્રશંસા કરતા કહ્યું કે બંને દેશોએ ત્રાસવાદ રોકવા અને શાંતિ સ્થાપવા માટે પ્રયાસો કરવા જોઈએ અને એના માટે વાતચીત કરવી જોઈએ. આ વાતચીત આ ક્ષેત્રમાં સ્થિરતા અને શાંતિ જાળવવા માટે અનિવાર્ય છે. ભારતીય પાયલોટ ભારત પરત આવે એ પહેલા ચીનના વિદેશ મંત્રીએ નિવેદન આપ્યું હતું. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને પાયલોટની મુકિત બાબત કહ્યું કે અમે શાંતિના સંદેશ સાથે પાયલોટને મુકત કરીએ છીએ. ચીનના વિદેશ મંત્રીને પૂછાયું કે કઈ રીતે પાકિસ્તાન પાયલોટને મુકત કરવા સંમત થયું શું એની મુકિત માટે ચીને પડદા પાછળ કોઈ ભૂમિકા ભજવી હતી. કે કેમ ? વિદેશ મંત્રીએ આ પ્રશ્નનો સીધો જવાબ નહીં આપતા કહ્યું કે અમે શરૂઆતથી બંને દેશોને તણાવ ઘટાડવા જણાવી રહ્યા છીએ જેથી શાંતિની સ્થાપના થઈ શકે.
વિદેશમંત્રીએ પોતાની ટિપ્પણીમાં પાકિસ્તાનની તરફેણ કરવાની તક પણ ચુકી ન હતી એમણે કહ્યું અમારૂ માનવું છે કે પાકિસ્તાન હંમેશ ત્રાસવાદનો વિરોધ રહ્યું છે. એ સાથે એમણે કહ્યું કે અમે બંને દેશોની તંગદિલી ઘટાડવા સકારાત્મક ભુમિકા જ ભજવીશું. જો કે યુએનમાં મસૂદ અંગે જે નિર્ણય લેવાનો છે એ બાબત મંત્રીએ કોઈ ફોડ પાડયો ન હતો.