(એજન્સી) તા.૬
ગત મહિને ઝારખંડમાં હુમલા વિરુદ્ધ સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ સુપ્રીમકોર્ટમાં અપીલ કરશે. આ હુમલાના ૧૮ દિવસ બાદ પણ હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. એક જાણીતા મીડિયા સાથેની વાતચીત દરમિયાન સ્વામી અગ્નિવેશે કહ્યું હતું કે તેમના પર થયેલા હુમલા વિરુદ્ધ તેઓ સુપ્રીમકોર્ટમાં અપીલ કરશે. ઝારખંડના પાકુડ જિલ્લામાં સ્વામી અગ્નિવેશ સાથે મારપીટની ઘટના બની હતી. અહીં અગ્નિવેશ સાથે મારપીટ થઇ હતી અને તેમના કપડાં પણ ફાડી નાખવામાં આવયા હતા. સ્વામી અગ્નિવેશ રાંચીથી ૩૫૦ કિમ્‌ી દૂર પાકુડ જિલ્લામાં ૧૯૫મા દામિન મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા. ઘટના સામે આવ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી રઘુબર દાસે આ મામલે તપાસના આદેશ આપી દીધા હતા. સ્વામી શહેરના એક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. હોટલથી નીકળ્યા બાદ ભાજપના યુવા મોરચાના કાર્યકરોએ તેમના પર હુમલો કરી દીધો હતો. જણાવાય છે કે આ કાર્યકર સ્વામી અગ્નિવેશ દ્વારા બીફ ખાવાને લઇને આપેલા નિવેદનથી નારાજ હતા. ભાજપ કાર્યકરો કહે છે કે સ્વામી આદિવાસીઓને ઉશ્કેરવાનું કામ કરી રહ્યાં હતાં. એક જાણીતા મીડિયાની ટીમે પાકુડની મુલાકાત વખતે એ જાણવાનો પ્રયાસ કર્યો કે આ મામલે એફઆઈઆરમાં જે ૮ લોકોના નામ દાખલ કરાયા હતા શું તેમનો સંબંધ ભાજપ યુવા મોરચો, ભાજપ કે પછી આરએસએસથી છે. અને શું સ્વામી અગ્નિવેશની અહીંની આદિવાસી પ્રજા વચ્ચે શાખ જમાવવાથી સ્થાનિક કાર્યાલયોમાં અંદર જ અંદર ગુસ્સો છે જેનાથી આ ઘટના બની.