(એજન્સી) તા.ર૦
તપાસ દરમ્યાન સ્વામી ચિન્મયાનંદે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ને જણાવ્યું હતું કે હું શરમ અનુભવું છું. સીટનું નેતૃત્વ કરી રહેલા નવીન અરોરાએ પત્રકારોને જણાવ્યું હતું કે તપાસ દરમ્યાન ચિન્મયાનંદે તેનો ગુનો સ્વીકારી લીધો હતો અને કહ્યું હતું કે હવે મારી વધુ પૂછપરછ ન કરો. નોંધનીય છે કે, સીટે અત્યાર સુધી ચિન્મયાનંદ વિરૂદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો નથી. સીટના વડાએ કહ્યું હતું કે તેણે અશ્લીલ વાતચીત અને બોડી મસાજ સહિત તેના વિરૂદ્ધ દાખલ કરાયેલા બધા આક્ષેપો સ્વીકારી લીધા હતા. આ કેસના પ્રાસંગિક પુરાવાઓની ચકાસણી પણ થઈ રહી છે. તેણે કહ્યું હતું કે તે તેના કૃત્યો બદલ શરમ અનુભવતો હોવાથી કશું વધારે કહેવા માગતો નથી. સીટના અધ્યક્ષે કહ્યું હતું કે ચિન્મયાનંદની ધરપકડ પહેલા તેમના સ્વાસ્થ્ય અંગે અગમચેતીના બધા પગલાં લેવામાં આવ્યા હતા. પોલીસે આઈપીસીની ધારા ૩૭૬સી, ૩પ૪ ડી, ૩૪ર અને પ૦૬ હેઠળ ચિન્મયાનંદ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત ચિન્મયાનંદને બ્લેકમેઈલ કરી રૂા.પ કરોડની માગણી કરવા બદલ પીડિતાના ૩ પિતરાઈઓ સામે કેસ દાખલ કરી તેમની ધરપકડ કરી છે. ઉત્તરપ્રદેશ પોલીસની સીટ ટીમે શુક્રવારે સવારે ચિન્મયાનંદના નિવાસસ્થાન દિવ્યધામથી તેની ધરપકડ કરી હતી. તબીબી પરીક્ષણ પછી ચિન્મયાનંદને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ચિન્મયાનંદના સંગઠન દ્વારા ચલાવવામાં આવતી લો કોલેજની વિદ્યાર્થિનીએ પૂર્વ મંત્રી અને ભાજપ નેતા પર બળાત્કાર અને શારીરિક શોષણ જેવા ગંભીર આક્ષેપો કર્યા હતા.

ર૦૦ ફોન કોલ, અશ્લીલ વાતો અને બોડી મસાજ : ચિન્મયાનંદે ગુનો સ્વીકાર્યો, કેસ દાખલ

(એજન્સી) તા.ર૦
સ્વામી ચિન્મયાનંદની પૂછપરછ પછી કેસની તપાસ કરી રહેલી યુપી પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમના વડા નવીન અરોરાએ મીડિયા સમક્ષ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. અરોરાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ચિન્મયાનંદના કોલ રેકોર્ડ પરથી સીટને જાણવા મળ્યું હતું કે પૂર્વ મંત્રીઓ પીડિતાને ર૦૦થી વધુ વખત ફોન કર્યો હતો. અરોરાએ આ પણ જણાવ્યું હતું કે સ્વામી ચિન્મયાનંદે પીડિતા સાથે અશ્લીલ વાતો તેમજ બોડી મસાજના આરોપો સ્વીકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી યુપી પોલીસે આ કેસની તપાસ કરવા માટે સીટની રચના કરી હતી.