(એજન્સી) હરિદ્વાર, તા.૬
સ્વામી સત્યામિત્રાનંદ ગિરિએ કહ્યું કે જો રામ મંદિર અયોધ્યામાં નહીં બને તો શું મક્કા, વેટિકન સિટી અથવા કોઈ અન્ય તીર્થ સ્થાને બનશે ? તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના અનેક પુરાવાઓ મળી ચૂક્યા છે. પુરાતત્વ વિભાગમાંથી પણ એ સાબિત થઈ ગયું છે કે અયોધ્યામાં રામમંદિર હતું. કારણ કે ત્યાં આમ્રપલ્લવ કળશ અને મૂર્તિઓ મળી આવી હતી. તેમણે કહ્યું કે જો મુસ્લિમ પક્ષ મંદિર માટે મોટાઈ દર્શાવશે તો મસ્જિદ બનાવવાની જવાબદારી મારી છે. તેના માટે જે સામગ્રીની જરૂરિયાત હશે તે ભારત માતા મંદિર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. મીડિયાના અહેવાલો અનુસાર સ્વામી સત્યમિત્રાનંદ ગિરિએ જણાવ્યું કે તે સમયના વડાપ્રધાન વી.પી. સિંહે પોતાના કાર્યકાળમાં મને જવાબદારી સોંપી હતી કે હિન્દુ અને મુસ્લિમોની વચ્ચે મધ્યસ્થી બનીને હું મંદિર નિર્માણનો માર્ગ મોકળો કરાવું. આ વિશે બંને પક્ષો સાથે ચર્ચા થઈ ગઈ. હતી અને મૌલાના પણ મંદિર નિર્માણના પક્ષમાં સહમત હતા. જ્યારે તેમણે આ વાત વી.પી.સિંહને જણાવી તો તે પણ ખૂબ જ ખુશ થયા. તે જ દિવસે સાત વાગ્યે સંબંધિત કરાર પર હસ્તાક્ષર થવાના હતા પરંતુ સમય વીતી ગયો.