(એજન્સી) નવી દિલ્હી, તા.૬
જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(જેએનયુ)માં થયેલ હિંસા મામલે બોલીવુડમાંથી પણ પ્રતિક્રિયા આવવાનું શરૂ થયું છે. જેએનયુથી જ સ્નાતક થયેલી બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ સતત ટિ્‌વટ કરી રહી છે. સ્વરાએ ટ્‌વીટ પર માતાનો એસએમએસ શેર કર્યો છે, જેમાં તેમણે યુનિવર્સિટીના હાલતો જણાવ્યા છે. બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે જેએનયુના આ સમગ્ર મામલા વિશે ટવીટ કરીને લખ્યું છે કે, ’મારી માતા વતી એસએમએસ દ્વારાઃ નોર્થ ગેટની બહાર ટોળા દ્વારા દેશના ગદ્દારોને ગોળી મારવાના સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. સ્વરા ભાસ્કરની માતા જેએનયુમાં પ્રોફેસર છે અને અંદરની પરિસ્થિતિ વિશે માહિતી આપી છે. આ પહેલા સ્વરા ભાસ્કરે ટ્‌વીટર પર એક વિડીયો શૅર કર્યો હતો જેમાં તેઓએ રડતા રડતા જેએનયુના મુખ્ય ગેટ પર ભેગા થવા લોકોને અપીલ કરી હતી અને સાથે કેમ્પસમાં પોલીસને એબીવીપી ગુંડાઓ દ્વારા કરવામાં આવેલ હિંસા ને રોકવા કહ્યું હતું. અને બધાને જેએનયુમાં ભેગા થવા કહ્યું હતું. શબાના આઝમીએ પણ આ હિંસાને વખોડતા કહ્યું હતું કે, “શું ખરેખર આવું થઈ રહ્યું છે ? હું અત્યારે ભારતમાં નથી પરંતુ આ એક દુસ્વપ્ન સમાન છે. જે.એન.યુ.ના ર૦ વિદ્યાર્થીઓ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.”