અમદાવાદ, તા.ર૩
રાજ્યભરમાં દિન-પ્રતિદિન સ્વાઈન ફ્લૂનો ભરડો વધુને વધુ કસાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ૯ લોકો સ્વાઈન ફ્લૂથી મૃત્યુ પામ્યા છે. જ્યારે ર૦૭ નવા કેસ નોંધાયા છે. હાલ ૧૬૭ર દર્દીઓ સારવાર હેઠળ છે ત્યારે સ્વાઈન ફ્લૂની સમીક્ષા માટે આવેલી કેન્દ્રીય આરોગ્ય ટીમે અમદાવાદ સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોની મુલાકાત લઈ સમીક્ષા બેઠક યોજી હતી જ્યારે જામનગર ભાજપના કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા મુખ્યમંત્રી રૂપાણીએ પણ જી.જી. હોસ્પિટલના સ્વાઈન ફ્લૂ વોર્ડની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. સ્વાઈન ફ્લૂનો રોગચાળો ભયંકર હદે બેકાબૂ બની રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સ્વાઈન ફ્લૂને લીધે ૯ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે આજે ર૦૭ નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ૧૦૮ કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે આજે રાજકોટમાં ૪ લોકો સ્વાઈન ફ્લૂની બીમારીથી મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લૂ એ હદે વકરી રહ્યો છે. જેની ગંભીરતા જોતા જામનગર ભાજપના કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્વાઈન ફ્લૂ વોર્ડની મુલાકાતે દોડી ગયા હતા. જ્યારે સ્વાઈન ફ્લૂ સંદર્ભે ગુજરાતની મુલાકાતે આવેલી કેન્દ્રીય આરોગ્ય ટીમે આજે રાજકોટ સિવિલની મુલાકાત લઈ રોગચાળાની સમીક્ષા કરી, જિલ્લા કલેક્ટર, મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ ટીમ ત્રણ દિવસના અભ્યાસ બાદ પોતાનો રિપોર્ટ સરકારને સુપ્રત કરશે.
શ્વાસની તકલીફ અને કફના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો
અમદાવાદમાં સ્વાઈન ફ્લૂનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સબ સલામતનું ગાણુ ગાવામાં આવી રહ્યું છે. જો કે તેમ છતાં સ્થિતિને કાબૂમાં લેવામાં આરોગ્ય તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. ઉપરાંત શહેરમાં શ્વાસોશ્વાસની તકલીફ અને ઈન્ફેક્શનના હજારો કેસ માત્ર છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ શહેરની સરકારી હોસ્પિટલમાં સામે આવ્યા છે. એટલું જ નહીં સરકારી સર્વેમાં એ કેટેગરીના સ્વાઈન ફ્લૂના દર્દીઓ નોંધાવાની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે. સ્વાઈન ફ્લૂ માટે પહેલું પગથિયું ગણાતી શ્વાસની બીમારીના દર્દીઓ વધી રહ્યા છે. જેમાં ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો ફ્લૂમાં સપડાઈ રહ્યા છે. રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો ના થાય તે માટે શહેરની હોટલ અને રેસ્ટોરન્ટમાં કોકમનુ હુંફાળુ પાણી આપવાની સૂચના અપાઈ છે. પરંતુ હજુ સુધી મોટાભાગની હોટલ કે રેસ્ટોરન્ટમાં આનો અમલ કરાયો નથી. બાળકો અને વૃદ્ધ દર્દીઓની સંખ્યામાં છેલ્લા ૧૫ દિવસમાં ખૂબ જ વધારો થયો છે. રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે બાળકો અને વૃદ્ધો તેનો ભોગ વધુ બને છે.
Recent Comments