અમદાવાદ, તા.રર
ગુજરાત સ્વાઈન ફલૂના ભરડામાં છે. મૃત્યુઆંકની સાથે-સાથે સ્વાઈન ફલૂના પોઝિટિવ કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે આ રોગ પર કાબૂ મેળવવા રાજ્ય સરકાર દ્વારા ઝડપથી કવાયત શરૂ કરવામાં આવી છે. જ્યારે કેન્દ્રીય આરોગ્ય વિભાગની એક ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અધિકારીઓની એક ટીમ ગાંધીનગર આવી પહોંચી છે. જ્યારે આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર રાજ્યમાં વ્યાપી રહેલા સ્વાઈન ફલૂને નાથવા જરૂરી પગલાંઓ લેવાશે આ માટે વિશેષ જાહેરનામાં બહાર પાડવાની વિચારણાઓ ચાલી રહી છે. દરમ્યાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ના અધિકારીઓની ટીમ ગાંધીનગર આવી પહોંચી છે અને સ્વાઈનફલ્‌ના મુદ્દા પર આરોગ્યમંત્રી ચૌધરી, આરોગ્ય સચિવ પરમાર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરીને સરકાર દ્વારા લેવાયેલ પગલાની સમીક્ષા શરૂ કરી છે. મહારાષ્ટ્ર સ્વાઈન ફલૂથી સૌથી વધુ મૃત્યુ ધરાવતું રાજ્ય છે. જ્યારે સેકન્ડ સ્ટેજમાં ગુજરાત આવે છે. વધી રહેલા રોગચાળાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સિવિલમાં ૩૦ જેટલાં બેડ વધારવામાં આવ્યા છે. કેટલાંક એવા વિસ્તારો છે કે જ્યાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ નથી તેવા સંજોગોમાં સરકાર ખાનગી હોસ્પિટલ પણ પોતાના હસ્તક લઈને સ્વાઈન ફલૂની સારવાર માટેની વ્યવસ્થા કરી શકશે. ખાનગી હોસ્પિટલો કે તબીબો દ્વારા સ્વાઈન ફલૂની સારવાર આપવાનો ઈન્કાર કરવામાં આવે તો તેવા સંજોગોમાં કાયદાકીય રાહે પગલાં લેવાશે જ અને ખાનગી હોસ્પિટલોનું સર્વેલન્સ પણ કરવામાં આવશે. કેટલાક કિસ્સામાં દર્દી દ્વારા આયસોલેશનનો ઈન્કાર કરવામાં આવે છે ત્યારે આવા દર્દીને ફરજિયાત આયસોલેશનની ફરજ પાડી શકાશે. ગુજરાતમાં બેકાબૂ બનેલા સ્વાઈન ફલૂ અંગે કેન્દ્ર સરકારનો આરોગ્ય વિભાગ પણ ચિંતિત છે ત્યારે તેને કાબૂમાં કરવા તથા તેની સમીક્ષા માટે દિલ્હીથી ત્રણ એકસપર્ટ ડૉક્ટરોની ટીમ ગુજરાતની મુલાકાતે છે.