(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧પ
રાજયમાં બેવડી ઋતુને લીધે મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચકયું છે. ખાસ કરીને સ્વાઈનફલુના રોગચાળાએ માઝા મુકતા સરકારના આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. દરમ્યાન વેરાવળના ૬૦ વર્ષના વૃધ્ધ અને મહેસાણા જિલ્લાના ઉંઝામાં સ્વાઈનફલુએ ૪ર વર્ષના શખ્સનો ભોગ લેતા છેલ્લા દસ દિવસમાં જ પાંચ લોકોના મોત થઈ ચુકયા છે. રાજયના વધતા જતા સ્વાઈનફલુના પોઝીટીવ કેસોને લીધે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજયમાં વરસાદ ખેંચાતા ખરાબ હવામાનને લીધે સ્વાઈનફલુના કેસો સામે આવી રહ્યા છે. જેથી રાજયની તમામ સરકારી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં તમામ પ્રકારની દવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્વાઈનફલુના ૯ દર્દીઓ સારવાર હેઠળ છે.આ ૯માંથી ૭ દર્દીઓનો સ્વાઈનફલુ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ ૯માંથી બે દર્દીઓ અમદાવાદના જયારે સાત દર્દીઓ અન્ય શહેરના નોંધાયા હતા. આમ સિવિલ હોસ્પિટલમાં સ્વાઈનફલુનો આંકડો ૧૯ જેટલો થઈ ગયો છે.
નોંધનીય છે કે અગાઉ રાજકોટમાં સ્વાઈનફલુના બે કેસો પોઝીટીવ નોંધાયા બાદ આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. એ જ રીતે સુરતમાં સ્વાઈનફલુના ૧૦ પોઝીટીવ કેસો સામે આવ્યા હતા. દરમ્યાન મહેસાણા જિલ્લામાં ઉંઝામાં સ્વાઈનફલુથી ૪ર વર્ષના વ્યકિતનું મોત નીપજયું છે. તેઓ કેટલાક દિવસથી ધારપુરની મેડિકલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમના મોત બાદ મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મૃતકના પરિવાર તેમજ રહેણાક વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.