અમદાવાદ, તા.ર૮
રાજ્યમાં છેલ્લા એકાદ સપ્તાહથી ઠંડીનો પારો વધ્યો છે. આ સાથે જ સ્વાઈન ફ્લૂએ ફરીથી માથું ઉચક્યું છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ પ્રાંતમાં જાન્યુઆરી મહિનામાં જ સ્વાઈન ફ્લૂથી રર લોકોના મોત થયા છે. ત્યારે તંત્રની નિષ્કાળજીને લીધે સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થઈ રહ્યાની ચર્ચાઓ વેગવંતી બની છે.
રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતમાં માત્ર સૌરાષ્ટ્રમાં વર્ષ ૨૦૧૯ જાન્યુઆરી મહિનામાં સ્વાઇન ફ્લૂના કારણે ૨૨ મોત થયા છે. જ્યારે સમગ્ર રાજ્યમાં ૨૫થી વધુ લોકોના મૃત્યુ સ્વાઇન ફ્લૂના કારણે થયા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સ્વાઇન ફ્લૂના દર્દીઓને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલા સ્વાઇન ફ્લૂના વિશેષ વોર્ડમાં સારવાર માટે મોકલવામાં આવી રહ્યાં છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂની સારવાર માટે ૧૫૦ બેડની સુવિધા કરવામાં આવી છે, જ્યારે આ સિઝનમાં ડિસેમ્બર સુધીમાં ૪૬ અને જાન્યુઆરીમાં ૨૨ મળીને આ સીઝનમાં મત્યુઆંક ૬૮ પહોંચ્યો છે. જાન્યુઆરીમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ૬૬ પોઝિટીવ કેસ જોવા મળ્યા છે. હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ઉપરાંત અન્ય ખાનગી દવાખાનામાં દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.
રાજકોટમાં સ્વાઈન ફ્લૂના ગત વર્ષથી લઈને અત્યાર સુધીમાં ૧૬૫થી વધુ પોઝિટીવ કેસ રાજકોટમાં નોંધાયા છે. જ્યારે સમગ્ર રાજ્યમાં ૫૦૦ પોઝિટીવ કેસ નોંધાયા છે. આ કેસની સંખ્યામાં દીનપ્રતિદીન વધારો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ઠંડી વધવાની સાથે જ ભેજ અને ઝાકળનું પ્રમાણ વધે છે જેના કારણે તાવ- શરદી જોવા મળે છે. તાવ અને શરદીના કેસ વધવાના કારણે યોગ્ય સમયે સારવાર ન મળવાથી કેસ સ્વાઇન ફ્લૂમાં બદલાઈ જાય છે. તંત્રની નિષ્કાળજીના કારણે સ્વાઇન ફ્લૂના કેસમાં સંખ્યા વધી રહી છે. તાજેતરમાં જ નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તંત્રને પહેલાંથી જ સૂચના આપી દેવાઈ છે અને સ્વાઇન ફ્લૂની સામે કાર્યવાહી કરવામાં આવી છે.