(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૩
અતિ ગંભીર ગણાતા સ્વાઈન ફ્લૂના રોગમાં જામનગરમાં બે મહિલાનો ભોગ લેવાયો છે. ફક્ત એક જ દિવસની સારવારમાં જામનગરના મહિલાનું સ્વાઈન ફ્લૂની બીમારી સબબ મૃત્યુ થયું હતું, જ્યારે ધોરાજીના એક મહિલા દર્દીનું ૫ણ ગત મોડી રાત્રે જામનગરની જી.જી. હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું હતું. આ ઉપરાંત ગઈકાલે મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કુલ ૬ કેસ નોંધાયા હતા, જ્યારે સામાન્ય તાવના અસંખ્ય કેસ પણ નોંધાયા છે. જામનગરના ખીજડા મંદિર પાસે રહેતા ૬પ વર્ષના મહિલાને તા.૧લી ઓકટોબરના સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના જરૂરી પરિક્ષણ દરમિયાન સ્વાઈન ફ્લૂ લાગુ પડ્યો હોવાનું જણાતા સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ ઉપરાંત ધોરાજીના એક મહિલા થોડા દિવસ પહેલાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ થયા હતા, જ્યાં તેમના પરિક્ષણો કરાવવામાં આવતાં સ્વાઈન ફ્લૂ હોવાનો પોઝિટીવ રિપોર્ટ મળ્યો હતો. આથી, તેમને આઈસોલેસન વોર્ડમાં સીફટ કરવામાં આવ્યા હતા, જ્યા સારવાર દરમિયાન આ સ્વાઈન ફ્લૂ રોગગ્રસ્ત મહિલાનું પણ ગત મોડીરાત્રે મૃત્યુ નિપજ્યું હતું. આમ, જામનગરની હોસ્પિટલમાં ર૪ કલાકમાં જ સ્વાઈન ફ્લૂએ બે મહિલા દર્દીઓનો ભોગ લેતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.