(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, તા.ર
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગર શહેર તાલુકામાં સ્વાઈનફ્લૂ પોતાનો પંજો પ્રસારી રહ્યો છે. ત્યારે આરોગ્ય આઈસોલેટેડ વોર્ડ કાર્યરત કરી,જવાબદારીમાંથી મુક્ત થયું હોય તેવી લોક લાગણી પ્રવર્તે છે. હિંમતનગર તાલુકામાં સ્વાઈનફ્લૂના ૯ કેસ નોંધાયાનું જાણવા મળ્યું છે. જ્યારે હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલના સ્પે. વોર્ડમાં ચાર દર્દી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આરોગ્ય તંત્ર શહેર અને તાલુકામાં તકેદારીના પગલાં સાથે લોક જાગૃતિ અંગે કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે.
હિંમતનગર મોદી વ્હોરાવાડ હાજીની ફળીમાં સ્વાઈનફ્લૂનો કેસ બનતા ફળિયાના લોકોમાં ભયની લાગણી પ્રસરી છે. બનાવની વિગત એવી છે કે, છેલ્લા ત્રણેક દિવસથી કમર બીબી લુકમાનભાઈ હરસોલીઆ તાવ આવતા સ્થાનિક ડોક્ટરની સારવાર લીધી હતી. ત્યાર પછી સોમવારે સ્થાનિક ડોક્ટરની સલાહથી વધુ સારવાર માટે અમદવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની સારવાર દરમ્યાન આજે મંગળવારે વહેલી સવારે કમરબીબીનું અવાસન થયું હતું. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના કહેવા મુજબ સ્વાઈનફ્લૂના કેસમાં મૃત્યુ પામનારને દવા અને કિટ વગર ન અડકવાની સલાહ આપી હતી. મર્હૂમની ઝિયારત ગુરૂવારે સવારની નમાઝ પછી પાઘેણ મસ્જિદ મોટી વ્હોરાવાડ ખાતે રાખેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાજીની ફળીના આ સ્વાઈનફ્લૂના કેસ અંગે આરોગ્ય તંત્રને જાણ કરતા અઢી કલાકે આવેલ આરોગ્ય કર્મીએ મૃતકનું તથા તેમની સાથે રહેતા પરિવારજનોનું નામ લખી ગયા હતા અને આવતી કાલે ચેકઅપ કરાવી જવાનું કહી રવાના થઈ ગયા હતા તો ફળિયાના ભયભીત રહીશોમાં પ્રશ્ન ઉઠ્યો છે કે, કોઈ દવાનો છંટકાવ કે આજુબાજુના લોકોની આરોગ્ય ટીમ દ્વારા તપાસણી જેવી કોઈ કાર્યવાહી કેમ કરાઈ નથી ! જિલ્લા આરોગ્ય અધિકારી સહિત તંત્ર જાગૃતિ દાખવશે ?