(એજન્સી) જયપુર, તા.ર૮
રાજસ્થાનમાં સ્વાઈન ફ્લૂ જીવલેણ બની રહ્યો છે. ભીલવાડાના માંડલગઢના ભાજપના ધારાસભ્ય કીર્તિ કુમારીનું સોમવારે સ્વાઈન ફ્લૂના કારણે મૃત્યુ થયું છે. માંડલગઢના બિજૌલિયાના પૂર્વ રાજપરિવારની રાજકુમારી કીર્તિસિંહ ત્રીજીવાર ભાજપના ધારાસભ્ય બન્યા હતા. ભાજપના ધારાસભ્યના મૃત્યુ બાદ સરકાર પર સવાલ ઊભા થઈ રહ્યા છે કે સ્વાઈન ફ્લૂના કારણે આટલા મોત થઈ રહ્યા છે તો પણ તેને નિવારવા સરકાર કોઈ કારગર ઉપાય કેમ નથી કરી રહી. રવિવારે રાત્રે કીર્તિ કુમારીને ફોર્ટિસ હોસ્પિટલથી સવાઈમાનસિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટરોના જણાવ્યા મુજબ તે ચાર-પાંચ દિવસોથી તાવથી પીડિત હતી. તેમણે આ તાવને ગંભીરતાથી ન લીધો અને ઘરે જ સારવાર કરતી રહી. ત્યારબાદ તેમને કોટા હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાંથી તેમને જયપુર મોકલવામાં આવ્યા. પૂર્વ રાજકુમારી કીર્તિ કુમારીને ર૦૦૩માં વસુંધરા રાજે રાજકારણમાં લાવી હતી તે સમયે ર૦૦૩ની ચૂંટણીમાં તેણી કોંગ્રેસના મોટા નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શિવચરણ માથુર સામે અમુક જ મતથી હારી હતી. ત્યારબાદ ર૦૧૩ની ચૂંટણીમાં કોંગ્રેસના વિવેક ધાકડને મોટા માર્જેનથી હરાવી તેણી વિધાનસભા પહોંચી હતી. કીર્તિ કુમારીએ જિલ્લા પરિષદના સભ્ય તરીકે રાજકીય સફરની શરૂઆત કરી હતી. રાજસ્થાનમાં જયપુર, જોધપુર અને બિકાનેર સહિત અન્ય શહેરોમાં સ્વાઈન ફ્લૂનો કહેર છે. રાજ્યમાં આશરે ૩૦૦ સ્વાઈન ફ્લૂના દર્દીઓ છે જેમાંથી ૧૧ લોકોના ગત મહિને સ્વાઈન ફ્લૂથી મોત થયા હતા. સ્વાઈન ફ્લૂનો વાયરસ પોતાનો કહેર મોટાભાગે શિયાળામાં બતાવે છે પરંતુ આ વર્ષે ઓગસ્ટની શરૂઆતથી જ સ્વાઈન ફ્લૂની અસર જોવા મળી છે.