(એજન્સી) મોસ્કો, તા.૧૦
રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવે કહ્યું કે સીરિયાની જમીન પર આતંકવાદ ફેલાવી રહેલા આતંકવાદીઓને વહેલા તે પહેલાના ધોરણે મારી નાંખવા જોઈએ. તેમણે કહ્યું કે આ આતંકવાદીઓ સીરિયાથી નાસી જાય તે પહેલા જ તેમને મોતને ઘાટ ઉતારી નાખવા જોઈએ. જેથી તે બીજા દેશો માટે ખતરો ન બની શકે. રિપોટ્‌ર્સ મુજબ લાવરોવે શુક્રવારે મોસ્કોમાં ફ્રાન્સિસી વિદેશમંત્રી જીન યુવેસ લી ડ્રાયન સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં આ નિવેદન કર્યું હતું. લાવરોવે કહ્યું કે, અમે ફ્રાન્સની ચિંતાથી સહમત છીએ કે આતંકવાદી સીરિયાથી યુરોપ, એશિયા અથવા રશિયા નાસીને જશે તો ખતરો પેદા કરશે. સીરિયા માટે સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત, સ્ટીફન દ મિસ્તુરા જીનિવામાં સીરિયાની સરકારના પ્રતિનિધિઓ અને મોડરેટ વિપક્ષ વચ્ચે એક નવા દોરની બેઠકને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં વ્યસ્ત હતા. રશિયાના રાજનેતાએ કહ્યું કે રશિયા અને ફ્રાન્સ બંને રાજદ્વારી રીતે સીરિયાનું સંઘર્ષ સમાપ્ત કરવા માટે સહમત છે. તેના પર લી ડ્રાયને કહ્યું કે સીરિયામાં રાજકીય પરિવર્તન માટે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ- અસદ બરતરફી જરૂરી શરત ના હોવી જોઈએ. શુક્રવારે રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે રશિયાની એરફોર્સ દ્વારા કરાયેલા એક હવાઈ હુમલામાં ઈસ્લામિક સ્ટેટનો કથિત મિનિસ્ટર ઓફ વોર ઠાર મરાયો હતો.