(એજન્સી) બૈરૂત,તા.૧૮
એક મોનીટર સમૂહે ગુરુવારે માહિતી આપી હતી કે અમેરિકી નેતૃત્વ હેઠળની સેના દ્વારા સીરિયાના રક્કા શહેરમાં આતંકવાદી સંગઠન આઇએસને નિશાને લઇ કરવામાં આવેલા હવાઇ હુમલામાં પ૯ નાગરિકોએ જીવ ગુમાવી દીધા છે. આ મોત છેલ્લા ત્રણ દિવસમાં થયા છે. ધી સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્‌સે જણાવ્યું કે સોમવારથી કરવામાં આવી રહેલા હવાઇ હુમલામાં પ૯ લોકોનાં મોત થયા પરંતુ તેમાં લગભગ ર૧ જેટલાં બાળકોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઇએ કે કુર્દિશ-અરબ ગઠબંધનની સેનાને અમેરિકા ટેકો આપી રહ્યો છે. આ ગઠબંધનની સેના સીરિયામાં આઇએસનો સફાયો કરવા માટે પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં લગભગ રક્કાના ૭૦ ટકા ભાગ પર સેનાએ કબજો જમાવી લીધો છે. સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસ કહે છે કે હાલમાં પણ આઇએસના આતંકીઓ સીરિયાના અલ દારિયા, અલ બારિદ તથા અલ મરુર વિસ્તારમાં જોવા મળ્યાં છે. તેમની હાજરી હજુ પણ ચિંતાનો વિષય છે. જોકે ગઠબંધનની સેના કહે છે કે અમારા દ્વારા કરવામાં આવતાં હવાઇ હુમલામાં ભારે સાવચેતી દાખવવામાં આવે છે કે કોઇપણ ભોગે નાગરિકોનાં મોત ન થાય. જોકે ર૦૧૪થી અત્યાર સુધી લગભગ ૬ર૪ જેટલા નાગરિકોનાં મોત થયાના સમાચાર મળ્યાં છે. સંયુકત રાષ્ટ્ર દ્વારા આપેલી માહિતી મુજબ રપ૦૦૦ નાગરિકોને રક્કામાં ગોંધી રાખવામાં આવ્યા છે. આતંકીઓ આ લોકોનો માનવઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યાં છે. ગત વર્ષે જ સીરિયન ડેમોક્રેટિક ફોર્સે આઇએસ વિરોધી જંગની જાહેરાત કરી હતી અને ગઠબંધનની સેનાએ જૂન મહિનામાં રક્કા શહેરમાં આતંકીઓના ગઢમાં પ્રવેશ કરી લીધો હતો. જોકે આ યુદ્ધને લીધે નાગરિકો ભયના ઓથાર હેઠળ આવી ગયા છે. અવારનવાર ગોળીબાર કે હવાઇ હુમલામાં નિર્દોષ નાગરિકોનાં મોત થઇ રહ્યાં છે.