અમદાવાદ, તા.૧
અમદાવાદ શહેરમાં એક તરફ આ માસની શરૂઆતથી સ્વાઈનફલૂના રોગે અફરા-તફરી મચાવી છે ત્યારે રોજબરોજ ૭૦થી વધુ નવા કેસ વિવિધ હોસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે ત્યાં બીજી તરફ અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ વર્ષની અંદર ટી.બી.ના રોગના કારણે કુલ મળીને ૨૦૬૮ લોકોના આ રોગથી મોત થવા પામ્યા છે સાથે જ આ સમયગાળામાં અમદાવાદમાં આ રોગના કુલ ૪૧,૯૮૭ જેટલા દર્દીઓ પણ નોંધાવા પામ્યા છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમાં અને રાજયમાં પણ હાલ ચોતરફ સ્વાઈનફલૂના રોગના કેસ અને તેના કારણે રોજેરોજ થઈ રહેલા મોત અંગેની ચર્ચા કરવામા આવી રહી છે પરંતુ મહત્વપૂર્ણ એ છે કે, સ્વાઈનફલૂની કે ઝીકા વાઈરસ અથવા ડેન્ગ્યુ જેવા રોગના કેસથી પણ વધુ જે ચિંતાજનક બાબત એ છે કે, અમદાવાદ શહેરમાં એક સમયે રાજરોગ તરીકે જાણીતા એવા ટી.બી.ના રોગે ચિંતાજનક રીતે માથુ ઉચક્યુ છે.જેના કારણે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમા મળીને કુલ ૪૧૯૮૭ જેટલા ટી.બી.ના દર્દીઓ મ્યુનિ.હોસ્પિટલોમા નોંધાવા પામ્યા છે.અમદાવાદ સહીત રાજ્યમાંથી ટી.બી.ના રોગને નાબૂદ કરવા ડોટ નામથી ટી.બી.ના રોગની સારવાર આપવામા આવતી હોય છે જેમા સતત ત્રણ માસ સુધી દર્દીએ સારવાર લેવાની હોય છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના એક અધિકારીના કહેવા અનુસાર,અમદાવાદ સહીત રાજયમાં હાલ ભલે સ્વાઈનફલૂની ચર્ચા ચાલી રહી હોય.પરંતુ ટી.બી.ના રોગનો દર્દી એ સતત લોકોની વચ્ચે રહેતો હોઈ વધુ ખતરારૂપ બને છે.મંગળવારે મંળેલી મ્યુનિસિપલ બોર્ડની સામાન્ય બેઠકમાં આ મામલે પૂર્વ વિપક્ષનેતા અને બહેરામપુરાના કોર્પોરેટર બદ્દરૂદીનશેખે રજુઆત કરતા કહ્યુ કે,ટી.બી.ના રોગની નાબૂદીની માત્ર વાતો જ છે.શહેરમાં પાંચ વર્ષમા ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં ટી.બી.ના સૌથી વધુ ૮૯૬૪ જેટલા કેસ નોંધાવા પામ્યા છે સાથે જ જે ૨૦૬૮ મોત થવા પામ્યા છે તેમા પણ પૂર્વના વિસ્તારોમાં ૬૮૬ લોકો આ રોગથી મૃત્યુ પામ્યા છે જે ખરેખર ચિંતાજનક બાબત છે.આ રોગ પાછળ તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામા આવતો હોવાછતાં આ રોગ કાબૂમા આવી શકયો નથી એ મામલે તપાસ થવી જોઈએ.