(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૨
શહેરના પ્રતાપનગર રોડ પર આવેલ શાંતિ ચેમ્બર્સમાં રહેતા ભાઇદાસભાઇ જીવાભાઇ બારિયાની મોટી દીકરી શ્વેતાના આજવા રોડ ભાઇકાકા પાર્ટી પ્લોટ ગુરૂવારે રાત્રે લગ્ન સમારંભ હતો, તે સમયે નવવધુને ભેટમાં મળતા દાગીના અને ચાંલ્લાના કવર નવવધુની માતા તારાબેન પોતાના પર્સમાં મૂકતા હતા, તે દરમ્યાન તારાબેન દાગીનાને ચાંલ્લાના કવર મૂકેલ પર્સ ખુરશી પાસે મૂકી પાણી પીવા માટે ગયા હતા, તે દરમ્યાન કોઇ તેમનું પર્સ ચોરી કરી રવાના થઇ ગયો હતો. પરત ફરેલ તારાબેને પર્સ નહીં જોતા રડવાનું શરૂ કર્યું હતું. જેથી પરિવારજનો અને મહેમાનો ચોેંકી ઉઠ્યા હતા.
પર્સની ચોરી થતા નવવધુનો ભાઇ ગૌરવ તથા તેના પરિવારના સભ્યો હાઇવે પર ચોરી કરી જનાર ટોળકીની તપાસ માટે નિકળ્યા હતા. પર્સમાં મોબાઇલ ફોન હોવાથી ગૌરવે રીંગ મારતા રોડની એકબાજુથી રીંગ વાગવાનો અવાજ સંભળાતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાંથી તેઓને પર્સમાં મૂકેલા ચાર મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પરંતુ પર્સ ચોરી ટોળકી ફરાર થઇ ગઇ હતી. આ બનાવ અંગે આજે ભાઇદાસભાઇ બારિયાએ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પાર્ટી પ્લોટમાંથી સીસીટીવી કુટેજ મેળવી પર્સ ચોરી જનાર ટોળકીની તપાસ હાથ ધરી છે.