(એજન્સી) કૈરાના, તા. ૩૦
ઉત્તર પ્રદેશના કૈરાના લોકસભા બેઠકની યોજાયેલી પેટાચૂંટણીમાં ૪૭ વર્ષીય તબસ્સુમ હસનનો વિજય થયો છે. તબસ્સુમને ૨,૩૧,૯૬૫ મત મળ્યા છે જ્યારે તેમના નિકટના હરીફ ભાજપના ઉમેદવાર મૃગાંકા સિંહને ૧,૯૪,૮૭૫ મત મળ્યા છે. જ્યારે ઉત્તર પ્રદેશના નૂરપુર વિધાનસભા મતવિસ્તારમાં સમાજવાદી પક્ષના ઉમેદવાર નઇમુલ હસનનો વિજય થયો છે. નઇમુલ હસને તેમના નિકટના હરીફ ભાજપના ઉમેદવારને પરાજય આપ્યો છે. નઇમુલ હસનને પણ અન્ય વિરોધ પક્ષો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. વિજયની જાહેરાત બાદ તબસ્સુમ હસન ૨૦૧૪થી ઉત્તર પ્રદેશનાં પ્રથમ મુસ્લિમ મહિલા સાંસદ હશે. કૈરાના લોકસભા સીટના આરએલડીનાં ઉમેદવાર તબસ્સુમે જણાવ્યું કે આ સત્યનો વિજય થયો છે. અમે ભવિષ્યમાં ઇવીએમથી ચૂંટણી ઇચ્છતા નથી. ૨૦૧૯ માટે સંયુક્ત વિપક્ષનો માર્ગ મોકળો થઇ ગયો છે. તબસ્સુમને કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને માયાવતીના બસપે પણ પોતાનો ટેકો આપ્યો હતો. તેમણે મોદી સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું કે ‘મોદી સરકાર છેલ્લા ચાર વર્ષથી જુઠ્ઠું બોલી રહી છે. તેમણે ભારતના લોકો માટે કશું જ સારૂં કર્યું નથી.’ તબસ્સુમે તેમને સમર્થન આપનારા બધા પક્ષો અને લોકોને આભાર માન્યો છે. સાંસદ હુકુમસિંહના નિધનને પગલે કૈરાના લોકસભા બેઠકની પેટાચૂંંટણી યોજાઇ હતી.
નોંધનીય છે કે, ચૂંટણી પંચે સોમવારે પેટાચૂંટણી દરમિયાન ઇવીએમ-વીવીપેટ મશીનોમાં ટેકનિકલ ખામીઓની ફરિયાદો મળ્યા બાદ ૭૩ બૂથ પર પુનઃમતદાન યોજવાનો આદેશ આપ્યો હતો.