(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
લાલદરવાજા ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન યોગ્ય સારવારના અભાવના કારણે મોતને ભેટેલી પરિણીતાના પરિવારે બે દિવસથી બેદરકારી દાખવનાર મહિલા તબીબ સામે ગુનો નોંધવાની માંગ સાથે સ્મીમેર હોસ્પિટલ ખાતે ધરણાં પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. આખરે બે દિવસ બાદ પોલીસે મહિલા તબીબ સામે ગુનો નોંધતા પરિવારે મૃતક મહિલાની લાશ સ્વીકારી હતી.
કાપોદ્રા કમલપાર્ક સોસાયટીમાં રહેતા ૩૩ વર્ષીય દયાબેન મયૂરભાઈ કેવડિયાએ અપૂર્વ ગાયનેકોલોજિસ્ટ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. જો કે, સતત રક્તસ્ત્રાવ વહી જતાં દયાબેનની હાલત અચાનક ગંભીર થઇ જતાં દયાબેનને એમ્બ્યુલન્સ મારફતે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેનું મોત થયું હતું. દયાબેનનું મોત થતાં પરિજનો ઉશ્કેરાઈ ગયા હતા. તેણે ડોક્ટરની બેદરકારીના કારણે પરિણીતાનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. બુધવારે સવારે મોટી સંખ્યામાં દયાબેનના સગાસંબંધીઓ સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમની બહાર એકત્ર થયા હતા. તેમણે ડોક્ટરો વિરૂદ્ધ ગુનો નોંધવાની માગણી કરી હતી. દયાબેનના પતિ મયૂરભાઈએ જણાવ્યું કે અપૂર્વ હોસ્પિટલના ડોક્ટર અશોક શાહ અને શીલા શાહ વિરૂદ્ધ જ્યાં સુધી ગુનો દાખલ કરવામાં ન આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે પોલીસ અને મૃતક મહિલાના પરિવારજનો વચ્ચે મધ્યસ્થી થયા બાદ મહિધરપુરા પોલીસે મહિલાના મોતના જવાબદાર એવા અપૂર્વ ગાયનેકોલોજીસ્ટ હોસ્પિટલના ડોકટર સામે બેદરકારીનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ શુક્રવારે સવારે પરિવારજનો સ્મીમેર હોસ્પિટલથી મહિલાની લાશ અંતિમ સંસ્કાર માટે લઇ ગયા હતા.