માળિયામિંયાણા, તા.૧ર
માળિયામિંયાણામાં એક સામાન્ય તાવમાં તબીબે ત્રણ ઈન્જેકશન અને દવા ખવડાવી દેતા ગરીબ રિક્ષાચાલકનું મોત નિપજતા ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. આ અંગે મૃતકના પરિવારજનોએ તબીબની બેદરકારીનો આક્ષેપ લગાવતા મૃતકની લાશને ફોરેન્સિક પી.એમ. માટે રાજકોટ ખસેડાઈ હતી.મળતી વિગતો અનુસાર માળિયામિંયાણાના નવા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા અને ઓટોરિક્ષા ચલાવીને ઓટોરિક્ષા ચલાવી પોતાનું ઘર ગુજરાન ચલાવતા કરીમભાઈ રસુલભાઈ જામ (ઉ.વ.૪પ)ને સામાન્ય તાવ આવતો હતો ત્યારે પ્રથમ વખત માળિયાની સરકારી રેફરલ હોસ્પિટલમાં તાવની દવા લીધી જેમાં કોઈ ફેર ન પડતા પરિવારે પૈસા ખર્ચીને પ્રાઈવેટ ડૉક્ટર પાસે દવા લઈ તો તબિયત સારી થઈ જશે તેવું વિચારી માળિયામિંયાણા શહેરમાં ઘરે દવાખાનું ખોલી ગરીબ પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા ચૌહાણ નામના કહેવાતા ડૉક્ટર પાસે સારવાર માટે મૃતકની પત્ની ગુલશનબેન લઈ ગયા હતા ત્યારે ડૉક્ટરે એક નહીં એક સાથે ત્રણ ઈન્જેકશનો અને ટીકડા ખવડાવી દેતા દર્દીને દવાનું રિએક્શન આવી જતાં મોઢામાંથી ફીણ અને આંચકી ઉપડી જતાં મૃતકની પત્ની ગભરાઈ ગઈ હતી અને તેના સગાસંબંધીઓને બોલાવી ૧૦૮ની મદદથી માળિયા સરકારી હોસ્પિટલે ખસેડતા ત્યાંના ડૉક્ટર મૃત જાહેર કર્યા હતા. જેથી મૃતકના પરિવારજનોમાં કહેવાતા ડૉક્ટર સામે કાયદાકીય કડક પગલાં ભરવા પોલીસ મથકે દોડી જતા લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ કહેવાતા ડૉક્ટરના ઘરે અગાઉ પણ પોલીસે રેડ કરતા બોગસ દવાઓના જથ્થો મળી આવતા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પી.એમ રિપોર્ટ આવ્યા બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તેવું પોલીસે જણાવ્યું હતું.