(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
દિલ્હીની એઇમ્સ ખાતે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને અનેક મેડીકલ ટેસ્ટ કરાયા છે અને પેશાબમાં ઇન્ફેક્શનની સારવાર પૂરી નહીં થાય ત્યાં સુધી હોસ્પિટલમાં જ રહેશે તેમ ડોક્ટરોએ જણાવ્યું હતું. ૯૩ વર્ષના નેતાને સોમવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે તેમને એન્ટીબાયોટિક ઇન્જેક્શન આપ્યા બાદ તેમની તબિયત સ્થિર હોવાનું મેડીકલ બુલેટીનમાં કહેવાયું હતું. મંગળવારે સવારે ડોક્ટરોની ટીમે તપાસ કર્યા બાદ જણાવ્યું હતું કે, ઇન્ફેક્શન જ્યાં સુધી અંકુશમાં નહીં આવે ત્યાં સુધી તેમને હોસ્પિટલમાં જ રાખવામાં આવશે. સોમવારે તેમનું ડાયાલિસીસ કરવામાં આવ્યું હતું. પ્રથમ માળે આવેલા આઇસીયુ પરિસરને ખાલી કરી દેવાયું હતું જ્યારે દર્દીઓના સગાઓ તથા મળનારાઓને પણ વાજપેયીની તપાસ બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ડોક્ટરોએ કહ્યું કે, વાજપેયીને રજા આપતા પહેલા તેઓ છેલ્લા બે વર્ષમાં જે ટેસ્ટ કરાયા નથી તે પણ કરવામાં આવે.